ગુજરાત
News of Saturday, 14th May 2022

શાકમાં વધારે મીઠું પડી જતાં પતિએ ઘર બહાર ઢસડી જઈને પત્‍નિને ફટકારીઃ અસ્ત્રાથી વાળ કાપી ટકો કરી નાખ્‍યો

મહિલાએ બાદમાં પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી

અમદાવાદ, તા.૧૪: મેગા સિટી અમદાવાદમાં મહિલાઓ પર થતાં અત્‍યાચારમાં સહેજ પણ ઘટાડો થયો નથી, ઉપરથી આવા કેસ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. નાની-નાની વાતમાં મારઝૂડ, દહેજ માટે હેરાનગતિ, શારીરિક શોષણ, બળાત્‍કાર, ઘરેલુ હિંસા સહિતના ગુનાઓના કેટલાય કેસ શહેરના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ રહ્યા છે. હાલમાં, વટવા પોલીસ સ્‍ટેશનમાં એક મહિલાએ શાકમાં વધારે મીઠું પડી જતાં પતિએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર કિસ્‍સાની વાત કરીએ તો, વટવા વિસ્‍તારમાં રહેતી મહિલાએબપોરે ઘરે જમવા આવેલા પતિને જયારે જમવાનું પીરસ્‍યું ત્‍યારે તે આવેશમાં આવી ગયો હતો. ‘શાકમાં વધારે મીઠું કેમ નાંખ્‍યું છે?' તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં તેને ઘરમાંથી બહાર પણ કાઢી મૂકી હતી અને અસ્ત્રાથી તેના વાળ કાપી નાખ્‍યા હતા. મહિલા પતિથી એટલી ડરી ગઈ હતી કે તેણે પોલીસનો સંપર્ક કરવાનો પણ વિચાર કર્યો નહોતો. જો કે, પતિએ ફરીથી ઝઘડો કરતાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
૨૮ વર્ષીય મીનાક્ષી (નામ બદલ્‍યું છે) તેના સાસરિયાં સાથે રહે છે અને ગૃહિણી છે જયારે તેનો પતિ મજૂરી કામ કરે છે. ૮ મેના રોજ બપોરે જયારે તે અને બાળકો સાથે ઘરે હતી ત્‍યારે પતિ જમવા આવ્‍યો હતો. શાકમાં વધારે મીઠું હોવાથી તેનો પતિ રોષે ભરાયો હતો અને કેમ મીઠું વધારે નાખ્‍યું છે? તેમ કહી પત્‍ની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં પતિએ તેને અપશબ્‍દો પણ કહ્યા હતા. બાળકોની હાજરીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની ના પાડતાં તે વધારે ઉશ્‍કેરાયો હતો અને ઘર બહાર કાઢી ફટકારી હતી. ત્‍યારબાદ લાકડાના દંડાથી ફટકા પણ માર્યા હતા. જે બાદ ધમકી આપતાં કહ્યું હતું કે, ‘જો મારી સામે બોલીશ તો તને ફરીથી આવો જ માર મારીશ'.
પતિએ બળજબરીથી મહિલાના તમામ વાળ કાપીને તેને ટકલું કરી દીધી હતી. પતિનું વર્તન જોઈને મહિલા ડરી ગઈ હતી. ડરના કારણે તેણે તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ ફરીથી પતિનું પોત પ્રકાશતાં તે વટવા પોલીસ સ્‍ટેશન પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

(12:10 pm IST)