ગુજરાત
News of Saturday, 14th May 2022

સુરત પોલીસની પ્રશંસનિય કામગીરીઃ કામરેજના કઠોર ગામના સ્‍મિત જ્‍વેલર્સનો ચોરાયેલો 86 લાખનો મુદ્દામાલ મુળ માલીકને પરત

સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીની કલાકોમાં બે શખ્‍સ ઝડપી પાડતી પોલીસ

સુરતઃ કામરેજના કઠોર ગામે આવેલ સિમથત જ્‍વેલર્સની દુકાનમાં રાત્રે તસ્‍કરો દ્વારા સોના, ચાંદી, રોકડ સહિત 86 લાખના મુદ્દામાલની ચોરી થતા સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે બે તસ્‍કરોને પકડી મુળ માલીકને પરત સોંપી પ્રશંસનિય કામગીરી કરી હતી.

સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામે આવેલી એક જવેલર્સની દુકાનમાં લાખોની ચોરી થઈ હતી. રાત્રિના સમયે ધાબા પરથી ચઢીને દુકાનમાં પ્રવેશેલા ચોરોએ કરી હતી. 80 લાખથી વધુની ચોરી, જોકે કામરેજ પોલીસની સતર્કતાને લઇ ગણતરીના કલાકોમાં 2 ચોરો ઝડપાયા છે. પોલીસે ચોરીનો 100 ટકા માલ રીકવર કર્યો છે.

કામરેજ તાલુકાના કઠોર ગામે બજારની મધ્યમાં આવેલા સ્મિત જવેલર્સ નામની દુકાનમાં ગઈકાલે રાત્રે ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ત્રણ માળના મકાનના ધાબા પર ચઢીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી 86 લાખથી વધુના કિમતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ દુકાનમાં સૂંપડા સાફ કરી નાખ્યા હતા. જોકે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઇ ગઈ હતી. સવારે દુકાને આવેલા દુકાનદારે તાત્કાલિક કઠોર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 2 તસ્કરોને ઝડપી પડ્યા હતા.

ભર બજારમાં આવેલી દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ કામે લાગી ગઈ હતી અને પોલીસે બાતમીદારોને કામે લગાડ્યા હતા. જોકે સીસીટીવી ફૂટેજ વાઈરલ કરતા ફૂટેજમાં દેખાતો એક ઇસમ તાત્કાલિક ઓળખાયો હતો. જેના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ચોરી બાદ આરોપીઓએ મુદ્દામાલ અવાવરું જગ્યા પર પોટલું બાંધી સંતાડી દીધો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ બે નામ ખુલતા બે પૈકીના અન્ય એક આરોપીને પણ પોલીસે ઝડપી લીધો હતો. જોકે અન્ય એક આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે.

પોલીસે લગભગ દોઢ કિલો સોનું, 50 કિલોથી વધુ ચાંદી તેમજ 5 લાખ જેટલી રોકડ કબજે કરી છે. પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમજ અગાઉ પણ કોઈક ને કોઈક ગુનામાં પોલીસના હાથે ઝડપી ચૂક્યા છે.

તસ્કરોએ દુકાનમાંથી ચોરી દરમિયાન સુપડા સાફ કરી નાખ્યા હતા. દુકાનદારની લગભગ આખી જીવનની મૂડી તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. પરંતુ કામરેજ પોલીસની સતર્કતાને કારણે તસ્કરો ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા હતા. ભાગ્યેજ કોઈક કેસમાં જોવા મળે એમ 100 ટકા મુદ્દામાલ રીકવર થઇ ગયો હતો. દુકાનદારે કામરેજ પોલીસની કામગીરીને બિરદાવી હતી

(5:32 pm IST)