ગુજરાત
News of Saturday, 14th May 2022

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના રક્ષિત વિસ્તારમાં ચંદનના બે વૃક્ષ કાપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર :  ઈન્દ્રોડા પાર્કના રક્ષિત વિસ્તારમાંથી ચંદન બે વૃક્ષો કાપવાની ઘટના સામે આવી છે. ચોરોએ ઝાડ કાપી નાળામાં સંતાડી દીધા હતા. ત્યારે ગીર ફાઉન્ડેશન પણ ચંદન જેવા કિંમતી વૃક્ષની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. ચંદન વૃક્ષ કપાતા પોલીસ ફરિયાદ કરી છે કે નહિ તે અંગે પણ વન વિભાગ સામે સવાલો ઉભા થયા છે. થોડા દિવસ પહેલા વન અધિકારીઓની નજર સામે જ લીલાછમ વાંસ કાપવામાં આવ્યા હતા. ગાંધીનગરની હરિયાળીની રક્ષા કરવામાં વન વિભાગ નિષ્ફળ પૂરવાર થયું છે. પાટનગરમાં આવેલા પ્રકૃતિની ઓળખ સમા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં રાત્રિ દરમિયાન કિંમતી ચંદનના બે વૃક્ષ કપાયા હતા. ચોરો દ્વારા આ બંને વૃક્ષો કાપી નાળામાં સંતાડી દેવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારીઓની રહેમનજર હેઠળ વૃક્ષછેદનની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે.તાજેતરમાં અહી લીલાછમ વાંસ પણ કપાયા હતા. અને આશરે ૧૫ વર્ષ જૂના ચંદનના વૃક્ષો સાચવવામા ગીર ફાઉન્ડેશન નિષ્ફળ ગયું છે.  ચંદનના વૃક્ષો કપાતા સામાન્ય રીતે પોલીસ કેસ થતો હોય છે પરંતુ આ બાબતને ઢાંકપિછોડો કરવા માટે અધિકારીઓ પ્રયત્નો કરી રહ્યા છે.  આ બાબતે નાયબ વન સંરક્ષકને પૂછતાં તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા અને કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે તે પણ છૂપાવવા માટે પ્રયત્ન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યાં ફરિયાદ કરવાની હોય ત્યાં અમે કરી દીધી છે. પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા કોઈ જ ફરિયાદ નોંધાઈ ન હતી.

(6:04 pm IST)