ગુજરાત
News of Saturday, 14th May 2022

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે પર બસમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે વિદેશી દારૂની 96 બોટલ સાથે ઝડપી પાડયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી વડોદરા જતી લક્ઝરી બસમાંથી મુસાફરને વિદેશી દારૃની ૯૬ બોટલ કબ્જે કરી લીધી છે.તેની સામે પ્રોહીબીશન એક્ટનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં દારૃબંધી છે પરંતુ બુટલેગરો એનકેન પ્રકારે દારૃ ઘુસાડવા માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે ખાસ કરીને ચિલોડા હીંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃ ભરેલા વાહનો પોલીસ દ્વારા પકડવામાં આવતા હવે આ માર્ગ ઉપર લક્ઝરી કે એસટી બસમાં મુસાફરોના મારફતે વિદેશી દારૃની હેરાફેરી કરવામાં આવી રહી છે.અવાર નવાર લક્ઝરી કે બસમાંથી મુસાફરો દારૃ સાથે પકડાયા છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનથી વડોદરા જતી લક્ઝરી બસને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતા એક મુસાફરના થેલામાંથી વિદેશી દારૃની ૯૬ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે આ મુસાફર વડોદરાના પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા અને મુળ રાજસ્થાનના વિક્રમસિંહ નંદભવરસિંહ રાજપૂત સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.નોંધવું રહેશે કે, શામળાજી ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહનચેકીંગ બંધ કરી દેતા હવે ગાંધીનગરમાં ચંદ્રાલા પાસે દારૃ પકડાઇ રહ્યો છે.

(6:05 pm IST)