ખેડા તાલુકાના નાયકાથી માધુપુર બસ સ્ટેન્ડ નજીક કાર ચાલકે રસ્તો ઓળંગતા યુવકને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત
નડિયાદ : ખેડા તાલુકાના નાયકા થી માધુપુર બસ સ્ટેન્ડ નજીક એક કારચાલકે પોતાની ગાડી પૂરઝડપે બેફિકરાઈથી હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
ખેડા તાલુકાના નાયકા માધુપુર કંકુબેનના વાડામાં શાંતિભાઈ બાવાભાઈ મકવાણા રહે છે. તે નાયકાની એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે શાંતિભાઈ બપોરના ૧૨.૩૦ વાગે કંપનીમાંથી જમવા માટે ચાલીને ઘરે જતા હતા. દરમિયાન માધુપુર બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરતા એક યુવકને પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતાં યુવક રોડ પર પટકાયો હતો. જેને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને આજુબાજુના લોકોએ રોડ ની બાજુ પર લાવી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. દરમિયાન શાંતિભાઈએ જોતા ઈજાગ્રસ્ત યુવકને પોતાનો ભત્રીજો મનીષભાઈ ભાવસિંગભાઈ મકવાણા હોવાનું માલુમ પડયું હતું. ઇજાગ્રસ્ત મનીષને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે શાંતિભાઈ મકવાણાની ફરિયાદના આધારે ખેડા શહેર પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.