ગુજરાત
News of Monday, 14th June 2021

ઈકો કારના સાયલેન્સર તેમજ પશુ ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : 14 આરોપીઓની ધરપકડ

ગ્રામ્ય LCB ને મળી મોટી સફળતા: 95 થી વધુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો :13.95 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમા સાઈલેન્સર ચોરી કરતી 5 ગેંગના 14 સાગરીતોને ઝડપીને આતંરરાજ્ય ટોળકીનો પર્દાફાસ કર્યો છે. સાયલેન્સર તેમજ ઢોર ચોરીના 95 થી વધુ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે

પોલીસે આ કેસમાં એક બે નહી પરંતુ 14 આરોપીઓને જેલના હવાલે કર્યા છે. બાવળા, ધોળકા, રૂપાલ અન સાણંદનાં આ આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. આરોપીઓ અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઈક ચોરી, સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના ગુનામાં સામેલ હતા. પરંતુ ચોરીનાં પૈસાના ભાગલા પાડવા બાબતે મનદુખ થતા અલગ અલગ 5 ગેંગ બનાવીને ચોરીની ધટનાઓને અંજામ આપતા હતા. આરોપીઓએ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 29, ગાંધીનગરમાં 15, મહેસાણામાં ખેડામાં 5-5, આણંદમાં 9 એમ કુલ 64 થી વધુ ઈકો ગાડીનાં સાયલેન્સર ચોરી તેમજ અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી 31 ઢોરની ચોરીને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લાં 1 વર્ષ દરમિયાન અનેક લોકોના વાહનોમાંથી સાયલેન્સર ચોરી થવાની ધટનાઓ બની છે. ક્રાઈમબ્રાંચે અનેક આરોપીઓને આ ગુનામાં પકડયા હતા પંરતુ ચોરીની ધટનાઓ સદંતર ચાલુ જ હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે રૂપાલના આસીફ પાર્ટી ગેંગના સાગરીતો ગેંગમાંથી છુટા પડીને અલગ અલગ ગેંગ બનાવી ગ્રામ્ય જિલ્લાનાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી હોવાની બાતમીના આધારે બાવળા તેમજ ધોળકામાં અલગ અલગ જગ્યાઓ પરથી 14 ઈસમોની ધરપકડ કરી 13.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે આ ગુનામાં રૂપાલનાં મુખ્ય આરોપી આસિફ ઉર્ફે પાર્ટી વ્હોરા સહિત 14 ઈસમોની ધરપકડ કરી છે. તેઓની પાસેથી 1.80 લાખની કિંમતનાં ઈકો કારનાં 12 સાયલેન્સર, 60 હજારની કિંમતની 6 કિલો પ્લેટીનિયમની માટી, 10 મોબાઈલ ફોન, 10 લાખથી વધુની કિંમતની 4 ગાડીઓ અને રોકડ રકમ 45 હજાર કબ્જે કરી છે. ત્યારે આ ગેંગમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ તેમજ આ ગેંગે ચોરી કરેલા અન્ય સાયલેન્સર કોને અને કેટલામાં વેંચ્યા તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે.

(7:08 pm IST)