ગુજરાત
News of Tuesday, 14th June 2022

વડોદરામાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા : 50 લાખનો મુદામાલ જપ્ત: 8 નબીરા દારૂ ઢીંચતા ઝડપાયા

દાજીનો કુવા તરીકે ઓળખાતા ફાર્મમાં દારૂ પાર્ટી માણતા નબીરા ઝડપાયા : BMW x5 કાર, ફોક્સવેગન ટાયગુન, હેરિયર કાર, રોયલ એનફિલ્ડ બુલેટ, ઇનોવા કાર જપ્ત

વડોદરા : ગઈકાલે અમદાવાદ સ્ટેડિયમ પોલીસના દારૂ પાર્ટીના ખુલાસા બાદ બાદ આજે વડોદરામાંથી દારુની મહેફિલ માણતા પૈસાદાર લોકો ઝડપાયા છે.

વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગોરવા પોલીસે બાતમીને આધારે કરેલી રેડમાં ૮ શખ્સોને દારૂ પાર્ટી કરતાં ઝડપી પાડયા છે. શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગોરવા પોલીસ ટીપ મળી હતી કે દાજીનો કુવા તરીકે ઓળખાતા ફાર્મમાં કેટલાક શખ્સો દારૂ લઈને પહોંચ્યા છે. દારૂ પાર્ટીના આ મોટા આયોજનમાં જ્યારે જામ છલકાયાં ત્યારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં 30 નંગ બિયર, દારુની બે ભરેલી બોટલો અને દારુની ખાલી બે બોટલો તેમજ ૪ લક્ઝુરિયસ કાર અને 1 ટુ વ્હીલરને કબજે લીધા છે. પ્રાથમિક તપાસમાં દારૂકાંડમાં ઝડપાયેલા 8 નબીરાઓએ એવું પણ કબૂલ્યું છે કે વરસાદી વાતાવરણ સારું હોવાથી બધા મિત્રોએ મળી દારુની પાર્ટી કરી મોજ કરવાનો પ્લાન કર્યો હતો.

દારૂ પાર્ટીમાં અંકીત સુરેશ પટેલ ,રુવ રમણ પટેલ,યશીશ ચંદુ રાઠવા ,ભૌમિક ધીરૂ પટેલ,પાર્થ ચેતન પુરોહિત ,જય કિરિટી પટેલ,હેમાંગ દેવાંગ જાની સામેલ હતા

હવે પોલીસ દારૂ કયાંથી લાવ્યા તેની પૂછપરછ કરી રહી છે. અને બુટલેગર સુધી પહોંચવાના પણ પ્રયાસ કરી રહી છે. 8 દારૂ પાર્ટીમાં સામેલ નબીરાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.જપ્ત કરેલ વાહનો પર નજર કરીએ તો BMW x5 કાર, ફોક્સવેગન ટાયગુન, હેરિયર કાર, રોયલ એનફિલ્ડ બુલેટ, ઇનોવા કાર પોલીસ જાપ્તામાં છે. 8 આરોપીઓમાં કોઈ રિયલ એસ્ટેટ, કોઈ ખેતી, તો કોઈ કારખાના ધારક અને નોકરી કરી રહ્યું છે.કુલ 49 લાખ 50 હજારની આસપાસનો મુદ્દામાલ દારુની મહેફિલમાં પાડેલા દરોડાથી કબજે લેવામાં આવ્યો છે

(12:09 am IST)