ગુજરાત
News of Wednesday, 14th July 2021

ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને મોકલવા તાકીદ : 15મીથી શરૂ થશે પરીક્ષા

પરીક્ષા પૂર્ણ થયા બાદ માર્કશીટમાં તમામ વિષયોના ગુણના આધારે પરિણામ તૈયાર થશે

અમદાવાદ :ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી શરૂ થવાની છે. આ  પૂર્વે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓના શાળા કક્ષાના વિષયોના ગુણ બોર્ડ સમક્ષ મોકલી આપવા આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓની શાળા કક્ષાના વિષયોની પરીક્ષાના ગુણ શાળાઓએ બોર્ડને 18 જુલાઈ સુધી ઓનલાઈન મોકલી આપવાના રહેશે. બોર્ડની વેબસાઈટ પરથી આ ગુણ સ્કૂલોએ મોકલવાના રહેશે. આ ગુણ મળ્યા બાદ 15 જુલાઈથી શરૂ થનારી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થયા બાદ માર્કશીટમાં તમામ વિષયોના ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે.

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઈથી ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનારી છે. જોકે, આ પરીક્ષા પહેલા બોર્ડ દ્વારા સ્કૂલોને ધોરણ-10ના શાળા કક્ષાના વિષયોની પરીક્ષા લેવા માટે સુચના આપી હતી. જેના પગલે સ્કૂલોએ વિદ્યાર્થીઓની શાળા કક્ષાના વિષયોની પરીક્ષા યોજી તેના ગુણ આપી દીધા છે. જેથી હવે સ્કૂલોએ આ ગુણ બોર્ડ સમક્ષ ઓનલાઈન મોકલવાના રહેશે. આ માટે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી સુચના આપી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક સ્કૂલોના આચાર્યોને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ધોરણ-10ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના શાળા કક્ષાના વિષયના ગુણ બોર્ડની વેબસાઈટ પર શાળા દ્વારા ઓનલાઈન 18 જુલાઈ સુધી ભરવાના રહેશે. જેથી તમામ શાળાઓએ આ અંગે તકેદારી રાખી નિયત સમય મર્યાદામાં બોર્ડને ગુણ મોકલી આપવાના રહેશે.

વિદ્યાર્થીઓના ગુણ મોકલતી વખતે વિષય બાબતે અથવા અન્ય કોઈ બાબતને લઈને વિસંગતતા જણાય તો બોર્ડની કચેરી ખાતે માધ્યમિક વિભાગમાં જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણ વિદ્યાર્થીના નામ અને એપ્લીકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઈન ગુણ ભરવા માટેની તમામ સુચનાઓ બોર્ડ દ્વારા શાળાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કર્યા બાદ ઓનલાઈન મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે

(10:48 pm IST)