ગુજરાત
News of Wednesday, 14th July 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ થયેલી હિંસામાં કાર્યવાહી કરવા જનજાતિ સુરક્ષા મંચ એ નર્મદા કલેકટર ને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ થયેલી હિંસા બાબતે નર્મદા કલેકટરને આવેદન આપ્યું છે, આવેદનમાં જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણી પરિણામ બાદની બર્બર, નિંદનીય અને લોકતંત્રને શરમાવવા વાળી હિંસામાં ૫૦૦ લોકો મૃત્યુ પામ્યા છે, કેટલાક લોકો ઘાયલ થયા છે, હજારો લોકો પોતાના ઘર પરિવાર છોડીને જવા મજબુર બન્યા છે,કરોડો રૂપિયાની સંપત્તિ લૂંટી ,સળગાવીને નષ્ટ કરવામાં આવી છે. મહિલા ઓ સાથે સામુહિક બળાત્કાર થયા છે, બાળકો અને વૃદ્ધોને પણ બક્ષવામાં આવ્યા નથી.
ભારતીય લોકતંત્રના ચૂંટણી ઇતિહાસ પર હંમેશા માટે આ એક કાળો ધબ્બો લાગી ગયો છે. આનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ પાસુ એ છે કે આનો સર્વાધિકાર શિકાર સમાજ કે જેઓ સૌથી દુર્લભ, નિર્ધન અને શાંતિપ્રિય વર્ગ એસ.સી અને એસ.ટી વર્ગના લોકો થયા છે કે જેઓને ભારતીય સંવિધાનના સર્વાધિક સંરક્ષણ મળેલું છે. રાજ્યમાં નાગરિકોના માનવ અધિકારો પર ખુલ્લેઆમ હુમલા થયા છે. એમાં નાના-મોટા કોઈ એક-બે સ્થાનો પર નહીં પરંતુ રાજ્યના ૧૬ થી ૧૭ જિલ્લાઓના ૩૭૦૦ થી પણ વધુ ગામોમાં થયા છે. આ અર્થમાં રાજ્ય સરકાર પોતાના સંવિધાનિક કર્તવ્યને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ત્યાં મારપીટ કરવાનો ધમકી આપવાનો અને ડરાવવાનો સિલસિલો હજુ સુધી થંભ્યો નથી,આ બહુજ આશ્ચર્ય અને દુઃખનો વિષય છે કે આ દિશામાં હજી સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. આ આવેદનમાં એડવોકેટ અરવિંદ વસાવા નર્મદા જિલ્લા સંયોજક જનજાતિ સુરક્ષા મંચ,વસાવા જીગ્નેશ દેવજીભાઈ સક્રિય સભ્ય નર્મદા જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ તથા વિશાલ અમરભાઈ ભોય સક્રિય સભ્ય નર્મદા જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ તથા સભ્યો હાજર રહ્યા હતા.

(11:28 pm IST)