ગુજરાત
News of Wednesday, 14th July 2021

કોરોના ઇફેકટ

૨ વર્ષમાં લગ્ન પ્રસંગમાં ૪૦%થી પણ વધુ ઘટાડો : યોજાયા ત્યાં માહોલ ફિક્કો

અમદાવાદ તા. ૧૪ : આગામી ૨૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની સિઝનની સમાપ્તિ થશે. જો કે, જુલાઇ માસમાં લગ્નનું છેલ્લું મુહૂર્ત ૧૫ જુલાઇના જ છે. આ પછી આગામી ૧૫ નવેમ્બર સુધી લગ્ન માટે કોઇ જ શુભ મુહૂર્ત નથી. અમદાવાદ શહેરમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અંદાજે ૧૩ હજારના લગ્ન રજીસ્ટર્ડ થયા છે. આમ, કોરોનાના કેરને પગલે અમદાવાદમાં લગ્નના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.

કોરોના મહામારીને પગલે છેલ્લાં દોઢ વર્ષથી લગ્નસરાનો માહોલ ફિક્કો જોવા મળ્યો હતો. માર્ચ-૨૦૨૦થી કોરોના નિયંત્રણો વચ્ચે લગ્ન સમારોહ યોજાયા છે. છેલ્લાં દોઢ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થતાં લગ્નમાં ઉપસ્થિત રહેનારા અતિથિઓની મર્યાદા વધારીને ૧૫૦ કરવામાં આવેલી છે. પરંતુ કોરોના નિયંત્રણને કારણે લગ્નનો માહોલ નિરસ રહ્યો છે. ૨૦ જુલાઇએ દેવપોઢી એકાદશી સાથે લગ્નસરાની સિઝનની પૂર્ણાહૂતિ થઇ જશે. આ પછી ૪ મહિના સુધી એટલે કે ૧૪ નવેમ્બર બાદ જ લગ્નના મુહૂર્ત છે. નવેમ્બર-૨૦૨૧માં લગ્ન માટે ૧૫,૧૬,૨૦,૨૧,૨૮,૨૯,૩૦ જયારે ડિસેમ્બરમાં  ૧,૨,૬,૭,૧૧,૧૩ તારીખના મુહૂર્ત છે.

વર્ષ ૨૦૨૧માં લગ્નના હવે ૧૩ મુહૂર્ત બાકી રહ્યાં છે. જો કે, નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નપ્રસંગ યોજવા કે કેમ તેના અંગે મોટાભાગના લોકોએ 'વેઇટ એન્ડ વોચ' રાખ્યું છે. ઓકટોબર સુધી રાજયમાં કોરોનાની સ્થિતિ અને તે વખતના કોવિડ નિયંત્રણોને આધારે લગ્ન પ્રસંગ યોજવા કે કેમ તેના અંગે મોટાભાગના લોકો નિર્ણય લેશે. અનેક લોકો એવા પણ છે જેમની સગાઇ ૨૦૨૦ના પ્રારંભે જ થઇ ગઇ છે. પરંતુ ધામધૂમથી લગ્નપ્રસંગ યોજવા માગતા હોવાથી હજુ સુધી લગ્નના તાંતણે બંધાયા નથી.

 આ વર્ષે જુલાઇ માસ સુધી કુલ ૧૩ હજારથી વધુ લોકોના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  લગ્ન રજીર્સ્ડ થયેલા છે. કોરોનાના કેસ સામે આવ્યા બાદ લગ્નના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનમાં ૨૦૧૮માં ૩૩૭૯૬ જયારે ૨૦૧૯માં ૩૩૯૪૬ના લગ્ન રજીસ્ટર્ડ થયા હતા. ધામધૂમથી લગ્ન પ્રસંગમાં ઘટાડો થતાં બેન્ડવાજા-કેટરિંગ-ડેકોરેશન-પાર્ટી પ્લોટ-હોલના વ્યવસાય પર સૌથી વધુ માઠી અસર પડી છે.

નવેમ્બર

૧૫,૧૬,૨૦,૨૧,૨૮,૨૯,૩૦.

ડિસેમ્બર

૧,૨,૬,૭,૧૧,૧૩.

વર્ષ   લગ્ન રજીસ્ટ્રેશન

૨૦૧૮ ૩૩,૭૯૬

૨૦૧૯ ૩૩,૯૪૬

૨૦૨૦ ૨૭,૧૫૯

૨૦૨૧ ૧૨,૮૦૮

(૨૦૨૧માં જાન્યુઆરીથી મે સુધીના આંક)

(10:07 am IST)