ગુજરાત
News of Wednesday, 14th July 2021

ખેડા જિલ્લામાં કોલેરાનો પ્રકોપ:એક શખ્સનું મોત નિપજતા ચકચાર

ખેડા:જિલ્લાના વડામથક નડિયાદની એક વ્યક્તિએ કોલેરાને લીધે જીવ ગુમાવ્યો છે. કોલેરાનો ભોગ બનેલા એક જિલ્લાવાસીનું રાજકોટમાં નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદ શહેરના સાંઈબાબા નગર, મંજીપુરા રોડ, કોટ પાસે રહેતા ૫૫ વર્ષના મહેન્દ્રભાઈ ગોસાઈનું મૃત્યુ કોલેરાને લીધે થયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગત ૮ તારીખની આસપાસ તેઓ રાજકોટ ગયા હતા અને ત્યાં ૧૦ તારીખે તેમની તબિયત બગડતા તેમને રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

૧૨ તારીખે સાંજે ત્યાં જ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મહેન્દ્રભાઈનું મૃત્યુ કોલેરાને લીધે થયું હોવાનું જાણવા મળતા નડિયાદવાસીઓમાં ફફડાટ પેઠો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આશરે પખવાડિયા અગાઉ નડિયાદ શહેરી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો, ત્યારે શહેરમાં ઉપરાઉપરી ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઈ રહ્યા હતા. જોકે અત્યાર સુધી તેમાંથી સાત જેટલા જ કોલેરા પોઝિટિવ કેસ નડિયાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવ્યા હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી નડિયાદ શહેરમાં નોંધાયેલા ઝાડા-ઉલ્ટીના કુલ કેસો ૧૦૦ જેટલા હોવા છતાં પાછલા દિવસોમાં નવા કેસોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.  

(5:08 pm IST)