ગુજરાત
News of Wednesday, 14th July 2021

આણંદ શહેરમા પીટીસી કોલેજ પાછળ સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં દરોડા પાડી પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

 આણંદ:શહેર પોલીસની ટીમે આણંદ શહેરની ઓમ પીટીસી કોલેજ પાછળ આવેલ રાધાક્રીષ્ન ઉપવન સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઓચિંતો છાપો મારી વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે કુલ્લે રૂા.૧,૯૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્શો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસની ટીમને ઓમ પીટીસી કોલેજ પાછળ આવેલ રાધાક્રીષ્ન ઉપવન સોસાયટીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા ઘટના સ્થળેથી સંજય સમસુભાઈ ભાંભોર (રહે. ઓમ પીટીસી કોલેજ પાછળ, રાધાક્રીષ્ન ઉપવન સોસાયટી નજીક, છાપરામાં) મળી આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા ઘટનાસ્થળેથી વિદેશી દારૂના ૭૧૭ ટેટ્રા પેક (અંદાજિત કિંમત રૂા.૭૧,૭૦૦) તેમજ ૯૬ ક્વાટરીયા (અંદાજિત કિંમત રૂા.૧૪,૪૦૦) મળી આવ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્શને વિદેશી દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જગદીશભાઈ ઉર્ફે ચેપો ચાવડા (રહે.લોટીયા ભાગોળ, આણંદ)નો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી એક મોટરકાર તેમજ એક મોબાઈલ ફોન અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ્લે રૂા.૧૯૧૧૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્શો વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)