ગુજરાત
News of Wednesday, 14th July 2021

દેશમાં શહિદી વહોરનાર નિલેશભાઇ સોનાના ભાઇ અને પરિવારને મળી જે સ્‍થળે શહીદ થયા હતા તે સ્‍થળની માટી અને ખાલી આર્ચરી સેલઃ ઓપરેશન મેઘદૂતમાં દેશ માટે જાનની બાજી લગાવી હતી

અમદાવાદ: ઓપરેશન મેધદૂતમાં દેશ માટે શહીદી વ્હોરનાર કેપ્ટન નિલેશ સોનીના પરિવારને આજે શહીદી સ્થળની માટી મળી છે. શહીદ સ્થળની માટી સાથે તેમને તોપ મારા બાદ વધેલો ખાલી આર્ટિલરી શેલ (તોપ ગોળો છોડ્યા બાદ પાછળનો વધેલો ભાગ) પણ ભેટમાં મળ્યો છે. ગુજરાતમાં આ શહીદી સ્થળની માટી અને આર્ચરી સેલ મેળવનાર સોની પરિવાર પ્રથમ પરિવાર બન્યો છે. કેપ્ટન નિલેશ સોનીના મોટા ભાઇ જગદીશચંદ્ર સોનીએ જીવનની ઉત્તમ ભેટ ગણાવી.

ઓપરેશન મેઘદૂતમાં શહીદ થયા હતા કેપ્ટન નિલેશ સોની  

ગુજરાતીઓની માથે લાંબા સમયથી એક મ્હેણુ છે કે, લશ્કરમાં ગુજરાતીઓ હોતા નથી અથવા ઓછા હોય છે. આજથી 34 વર્ષ પહેલાં સિયાચીનમાં દેશ માટે શહાદત વ્હોરી નિલેશ સોનીએ આ મ્હેણુ ભાંગ્યુ હતુ. જે દર્શાવે છે કે વર્ષોથી ગુજરાતીઓ લશ્કરમાં છે અને દેશ માટે શહીદી વ્હોરતા આવ્યા છે. કેપ્ટન નિલેશ સોનીએ વિશ્વના ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેસિયરની ચંદન પોસ્ટ ખાતે ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ પાકિસ્તાન સામે લડતા મેઘદૂત ઓપેરશનમાં ૨૫ વર્ષની વયે શહાદત વહોરી હીત. જગદીશચંદ્ર સોનીએ પોતાના નાના ભાઇની યાદમાં સિયાચીનની જે ચંદન પોસ્ટ પર નિલેશ સોની શહીદ થયા હતા તે જગ્યાની માટીની માંગ આર્મી પાસે પત્ર લખી કરી હતી. આર્મી તરફથી પણ હકારાત્મક વલણ દાખવવામાં આવ્યુ હતું.

સોની પરિવારે શહીદી સ્થળની માટી માંગી હતી

જગદીશચંદ્ર સોનીની માંગ હતી કે, નિલેશ સોનીના 60 માં જન્મદિવસે આ માટી અને ખાલી આર્ટિલરી શેલ મળે. આર્મીના જવાનોએ આ પત્રને મિશન ગણી લીધુ અને માત્ર એક મહિનાના ટુંકા ગાળામાં ચંદનપોસ્ટની શહિદી સ્થળની માટી તથા ખાલી આર્ચરી સેલ સાથે આર્મીના ત્રણ જવાન 13 જુલાઇએ તેમના ઘરે લઈને પહોચ્યા હતા. આ બે ભેટ સાથે જ સિયાચીન 102 બ્રિગેડ દ્વારા મોમેન્ટો, આર્ચરી રેજિમેન્ટ ચારના ડીરેક્ટર જનરલ દ્વારા મોમેન્ટો, 313 ફીલ્ડ રેજિમેન્ટ દ્વારા મોમેન્ટો પ્રશસ્તિ પત્ર અને લેહના જનરલ કમાન્ડિંગ ઓફિસર દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો.

આર્મી પાસેથી ભેટ મેળી નિલેશ સોનીના ભાઈના આંખમાં આસું આવ્યા

નિલેશ સોનીની 60 મી વર્ષગાંઠના દિવસે અમદાવાદમાં રહેતા શહીદ પરિવાર તથા લશ્કરમાં ફરજ બજાવી ચૂકેલા જવાનોની હાજરીમાં સોની પરિવારે માટી અને ખાલી આર્ટિલરી શેલ નાયબ સુબેદાર હરિન્દ્રરસિંહના હાથે મેળવ્યા. આ ક્ષણે જગદીશ ચંદ્ર સોનીની આંખોમાં ભાઇની યાદનું સુનામી આવ્યુ હતું. જોકે તેમણે પોતાની જાતને સંભાળી યુવાનો દેશની સેવા માટે આગળ આવે તેવો સંદેશ આપ્યો. સાથે જ દેશમાં જેમ કોઇ પણ પણ સારા પ્રસંગે કે ઉદઘાટનમાં નેતા કે સેલિબ્રિટી કે સ્પોર્ટસ પર્સનને માન સન્માન સાથે બોલવવામાં આવે છે, તેમ શહિદ પરિવારોને પણ માન સન્માન મળે તેવી સમાજને અપીલ કરી.

શહીદ પરિવાર દ્વારા પણ આર્મીને યાદગારી રૂપે કેપ્ટન નિલેશ સોનીના તસવીરવાળો ચાંદીનો સિક્કો તથા આર્મીના ત્રણેય જવાનોને કચ્છી ભરતના તોરણ ભેટ આપવામાં આવ્યા. આ પ્રસંગે શહિદ પરિવારોએ પોતાના સંસ્મરણો વાગોળ્યા.

શું છે ઓપરેશન મેઘદૂત

ઓપરેશન મેધદુતની વાત કરીએ તો વિશ્વના સૌથી ઉચ્ચા યુધ્ધ ક્ષેત્ર સિયાચીન પર કબજો મેળવવા માટે વર્ષ 1984માં ભારતીય સેનાએ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેને કાલીદાસની કૃતિ મેધદૂત પરથી ઓપરેશન મેઘદુત નામ આપવામાં આવ્યુ હતુ. આ ક્ષેત્ર પર પાકિસ્તાન વર્ષોથી પોતાનો કબજો કરવા માંગે છે અને તેઓ 17 એપ્રિલના સુધી સીયાચીન પર કબજો કરવા માંગે છે એવી ગુપ્ત માહિતીના આધારે 13 એપ્રિલ 1984 થી ઓપરેશનની શરુઆત કરાઈ હતી. જે 1987 સુધી ચાલ્યુ હતું. આ ઓપરેશન મેધદૂતમાં 12 ફેબ્રુઆરી 1987 માં કેપ્ટન નિલેશ સોની શહિદ થયા હતા.

(5:13 pm IST)