ગુજરાત
News of Wednesday, 14th July 2021

અમદાવાદના પાલડી વિસ્તારમાં વકીલના ઘરમાં ધોળેદિવસે 21 લાખની ચોરી થતા ચકચાર

વકીલ અને તેની પત્ની દર્શન કરવા ગયા ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું :આરોપી સીસીટીવી કેમેરામાં કેદ : જાણભેદુ હોવાની શકયતા

અમદાવાદમાં પાલડીના ધરણીધર દેરાસર નજીક અક્ષત એપાર્ટમેન્ટમાં એક વકીલના ઘરમાં ધોળા દિવસે રૂપિયા 21 લાખની ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.અક્ષત એપાર્ટમેન્ટના બી-2 બ્લોકમાં રહેતા એડવોકેટ નીતિન શાહ અને તેમના પત્ની શિલ્પાબેન શાહ બોટાદના રાણપુર ખાતે ભગવાનના દર્શન કરવા ગયા હતા.ત્યારે તસ્કરોએ તેમના ઘરનું લોક તોડીને રૂપિયા 20 લાખ રોકડા અને 1.90 હજારના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા. આ પરિવાર ઘરે આવ્યુ ત્યારે ઘરમાં સામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાને લઈને પોલીસને જાણ કરી હતી. પાલડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અક્ષત એપાર્ટમેન્ટમાં ચોરી કરવા આવેલો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

આ આરોપી ફલેટમાં પ્રવેશ કરતા જોવા મળે છે અને ચોરીને અંજામ આપીને નીકળી રહ્યો છે. ઘરમાં ચોરીની તપાસ કરતા એવુ સામે આવ્યુ છે કે ચોરી કરનાર જાણકાર હતો. જેથી પાલડી પોલીસે સીસીટીવી ફુટેજમાં દેખાતા શંકાસ્પદ શખ્સની શોધખોળ શરૂ કરી છે.વકીલ નીતિનભાઈ શાહ અને તેમના પત્ની શિલ્પાબેન અલગ સમયે દર્શન કરવા નીકળ્યા હતા. જેની માહિતી ચોર ટોળકીને હતી.

જેથી ચોરી પાછળ જાણભેદુ હોવાની પણ શક્યતા પોલીસે વ્યકત કરી છે. પાલડી પોલીસે 21 લાખની ચોરીના કેસમાં એફએસએલ અને ડોગ સ્કોડની મદદથી તપાસ શરૂ કરી છે. ચોરીની ફિગ્રરપ્રિન્ટ મેળવીને ઘરઘાટી અને સિક્યુરીટી ગાર્ડ તેમજ પરિવારજનોના ફિંગરપ્રિન્ટ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(7:35 pm IST)