ગુજરાત
News of Wednesday, 14th July 2021

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં ભરબપોરે વલ્લભ જ્વેલર્સમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખી લૂંટ

મોઢા પર રૂમાલ બાંધીને દુકાનમાં ઘુસ્યો અને ડીસપ્લે માટે મેજ ઉપર પડેલ ત્રણ સોનાની ચેઇન લઇને નાસી છૂટ્યો

વડોદરાના ખોડીયારનગર વિસ્તરામાં આવેલી વલ્લભ જ્વેલર્સમાં ભરબપોરે વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો હતો. વેપારી ગ્રાહકને ઘરેણાં બતાવી રહ્યો હતો ત્યારે ધસી આવેલ લૂટારૂ ડીસપ્લેમાં મુકેલી સોનાની ચેઇનો લઇને ફરાર થઇ ગયો હતો. બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ બનેલી ઘટનાના પગલે તત્કાલ ધસી ગયેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટુકડીએ સીસીટીવી ફૂટેજ મેળવીને નાકાબંધ કરી દઇને તપાસ આરંભી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખોડીયારનગર ખાતે વલ્લભ દર્શન જ્વેલર્સ નામની દુકાનમાં બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક શખ્સ દુકાનમાં પ્રવેશી કાઉન્ટર પર બેઠલા વેપારીની આંખમાં મરચાંની ભુકી નાંખી ડીસપ્લે માટે મેજ ઉપર પડેલ ત્રણ સોનાની ચેઇન લઇને નાસી છૂટ્યો હતો. ત્રણ ચેઇનની અંદાજે કિંમત રૂપિયા ૧.૬૦ લાખ છે.

વેપારી દુકાનમાં આવેલ ગ્રાહકને ચેઇન બતાવતો હતો, તે દરમિયાન અજાણ્યો શખ્શ મોંઢા ઉપર રુમાલ બાંધી દુકાનમાં પ્રવેશ્યો હતો. આ વ્યક્તિ આંખના પલકારામાં કાઉન્ટર પર બેઠેલા દુકાન માલિકની આંખમાં મરચાંની ભુકી નાંખી મેજ પર પડેલી ત્રણ સોનાની ચેઇનો લઇ ફરાર થયો હતો. ચેઇન લઇને ભાગતા લૂટારાનો દુકાનમાં બેઠેલ તેના ભાઇએ પીછો કર્યો હતો. પરંતુ લૂટારૂ દુકાનની બહાર તેના સાથીદારની બાઇક પર બેસી ફરાર થવામાં સફળ થયો હતો.
ઘટનાની તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતાં નાયબ પોલીસ કમિશ્નર લખધીરસિંહ ઝાલા સહિત બાપોદ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર ધસી ગયો હતો. પોલીસે દુકાન તથા આસપાસમાંથી સીસીટીવી ફુટેજ મેળવીને લૂટારાઓની તપાસ આરંભી દીધી હતી. દિનદહાડે સનસનખેજ લૂંટના બનેલા બનાવના પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બાપોદ પોલીસે જ્વેલર્સની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

(7:43 pm IST)