ગુજરાત
News of Wednesday, 14th July 2021

ધો.10 માં ગણિતના બે પ્રકારના પ્રશ્નપત્રનો વિકલ્પ અપાશે :સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રશ્નપત્ર રહેશે

બોર્ડનું ફોર્મ ભરતી વખતે વિધાર્થીઓએ જાતે વિકલ્પની પસંદગી કરવી પડશે : સ્ટાન્ડર્ડ ગણિત રાખનારને ધોરણ-11માં સાયન્સમાં પ્રવેશ મળી શકશે અને બેઝિક ગણિત પસંદ કરનારને સાયન્સમાં નહીં મળે પ્રવેશ

અમદાવાદ :ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10 માં ગણિતના બે પ્રકારના પ્રશ્નપત્રનો વિકલ્પ આપવામાં આવશે. નવી શિક્ષણ પદ્ધતિ 2021-22 પ્રમાણે ઓપ્શન આપવામાં આવશે. જેમાં વિધાર્થીઓ પોતાની મેળે જ કયો વિકલ્પ રાખવો જે પસંદ કરી શકશે.

સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે અલગ પ્રશ્નપત્ર રહેશે. બોર્ડનું ફોર્મ ભરતી વખતે વિધાર્થીઓએ જાતે વિકલ્પની પસંદગી કરવી પડશે. બન્ને વિકલ્પના પ્રશ્નોના અલગ અલગ પ્રકારના પુછાશે. બેઝિક ગણિત રાખનારને 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ નહિ મળે. જો કે ગણિતનું પાઠ્ય પુસ્તક તમામ માટે સામાન્ય રહેશે

સ્ટાન્ડર્ડ ગણિત પર પસંદગી રાખનારા વિધાર્થીઓને ધોરણ 11 માં સાયન્સ અને કોમર્સ બન્નેમાં પ્રવેશ મળી શકશે. જયારે બેઝિક ગણિતની પસંદગી કરનાર વિધાર્થીઓને ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 10માં બેઝિક પરીક્ષા પાસ કરનાર સાયન્સ લેવા માગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે. સાથે જો કોઈ વિદ્યાર્થી ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થાય તો પૂરક પરીક્ષા બેઝિક કે સ્ટાન્ડર્ડની પસંદગી કરી આપી શકશે.

ખાસ કરીને જે વિધાર્થીઓ આર્ટસ કે કોમર્સ જેવા પ્રવાહમાં જવા માટે પહેલે થી જ નક્કી કરીને બેઠા છે તેમના માટે આ પદ્ધતિ આશીર્વાદ્દ સમાન છે.

(7:53 pm IST)