ગુજરાત
News of Wednesday, 14th July 2021

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક અપાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેલકૂદ પ્રેરક અભિગમથી દિવ્યાંગ રમતવીરોને કૌવત ઝળકાવવાનું વધું પ્રોત્સાહન મળશે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયના પરિણામે હવે પેરા ઓલમ્પિક, કોમનવેલ્થ, પેરા-એશિયન ગેમ્સ જેવા પેરા-સ્પોર્ટ્સમાં પદક-મેડલ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સીધી ભરતીથી રાજ્ય સરકારની વર્ગ-૧ અને વર્ગ-૨ સેવામાં નિમણૂંક આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગજનો માટે સુનિશ્ચિત કરાયેલી જગ્યાઓ માટે પૂર્વનિર્ધારિત શરતો અને નિમણૂંક અંગેની કાર્યપદ્ધતિઓને અનુસરીને નિમણૂંક પ્રસ્તાવ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે રાજ્યના રમતવીરોને પ્રોત્સાહન આપવા ઓલમ્પિક, કોમનવેલ્થ અને એશિયન રમતોમાં મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરોને રાજ્ય સરકારની વર્ગ-1 અને વર્ગ-2ની સેવામાં સીધી ભરતીથી નિમણૂંક આપવાની નીતિ હાલ અમલમાં છે.

 

હવે, મુખ્યમંત્રીએ દિવ્યાંગ ખેલાડીઓ-રમતવીરોને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં તેમની પદક પ્રાપ્તિની સિદ્ધિઓના પ્રોત્સાહનરૂપે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-1,2ની દિવ્યાંગો માટે સુનિશ્ચિત જગ્યા ઉપર સીધી ભરતીથી નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેલકૂદ પ્રેરક આ અભિગમથી રાજ્યમાં દિવ્યાંગ રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પોતાનું કૌવત ઝળકાવવાનું વધું પ્રોત્સાહન મળશે.

(10:31 pm IST)