ગુજરાત
News of Sunday, 14th August 2022

રાજનીતિને બાજુએ મૂકી દરેક વિપક્ષી પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએ: રામદાસ આઠવલે

કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તિરંગા યાત્રામાં ભાગ નથી લેતી એ દેશની આઝાદીનો વિરોધ છે, તિરંગાનું અપમાન છે: આઠવલ

અમદાવાદ : સમગ્ર ભારત વર્ષ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘર અને કાર્ય સ્થળ ઉપર ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવવાના છે.ત્યારે તિલકવાડાની કે.એમ.શાહ પબ્લિક સ્કૂલ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલયના રાજ્યમંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો.તિલકવાડાના કાર્યક્રમ બાદ રામદાસ આઠવલે SOU-એકતાનગર સ્થિત બીઆરજી ભવન ખાતે સિંધી હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “સિંધી યુનિટી મહાસંમેલન”માં હાજરી આપી હતી.

હાલ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પી.એમ મોદી વિરૂદ્ધ મોર્ચો માંડ્યો છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓને કટાક્ષ મારતા રામદાસ આઠવલેએ પોતાના સાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે મત લો મોદીજી સે પંગા, હર ઘર લેહેરા રહા હૈ દેશ કા તિરંગા.એમણે વધુમાં એમ જણાવ્યું હતું કે રાજનીતિને બાજુએ મૂકી દરેક વિપક્ષી પાર્ટીએ તિરંગા યાત્રામાં ભાગ લેવો જોઈએ.કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તિરંગા યાત્રામાં ભાગ નથી લેતી એ દેશની આઝાદીનો વિરોધ છે, તિરંગાનું અપમાન છે.

તિલકવાડાની શાળાના બાળકોને સંબોધતા એમણે જણાવ્યું હતું કે ભારતનો તિરંગો ભારતભરમાં લહેરાય છે.કાશ્મીરમાં પણ તિરંગો લહેરાય છે.પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ભારતનો તિરંગો લહેરાશે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને બહુ જ જલ્દી ભારત પોતાના તાબા હેઠળ લઈ લેશે.પાકિસ્તાનમાં કાશ્મીરનો જે હિસ્સો છે તે પણ ભારતનો જ છે આખું કાશ્મીર ભારતનો જ અંગ છે એ ચાહે પાકિસ્તાનમાં રહેલું કાશ્મીર હોય કે ભારતમાં રહેલું કાશ્મીર હોય.પાકિસ્તાને કાશ્મીર પર કબ્જો કર્યો છે તે છોડી દેવો જોઈએ તો જ ભારત સાથેની દોસ્તી રહેશે બાકી કોઈ દોસ્તી રહેશે નહીં.

(3:30 pm IST)