ગુજરાત
News of Wednesday, 14th October 2020

શુક્ર-શનિવારે સૌરાષ્ટ્રના અમરેલી -ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

તા.૧૫ થી ૧૭ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી: વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

અમદાવાદ : આગામી તા.૧૫ થી ૧૭ ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં તા. ૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી.

  રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયના કોઇ ૫ણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજયમાં અત્યાર સુધી તા.૧૩/૧૦/૨૦૨૦ અંતિત ૧૧૨૨.૨૫ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૩૫.૦૫ ટકા છે.
  કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૨/૧૦/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૭.૨૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૬.૭૭ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૨.૭૬ ટકા વાવેતર થયુ છે.
  સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં ૨,૯૩,૫૦૩ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૭.૮૫ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫,૩૫,૨૯૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૯૬.૧૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૭૩ જળાશય, એલર્ટ ૫ર કુલ-૧૦ જળાશય તેમજ વોર્નીગ ૫ર ૦૫ જળાશય છે.

(6:54 pm IST)