ગુજરાત
News of Wednesday, 14th October 2020

અમૃતમ વાત્સલ્ય કાર્ડથી ગરીબના જીવનમાં ખુશાલી : રમેશભાઈ પટેલના હ્ર્દયની મફતમાં બાયપાસ સર્જરી થતા નવજીવન મળ્યું

મોંઘુ ઓપરેશન પરિવારની ક્ષમતા બહાર હતું પણ આશિર્વાદરૂપ બન્યું :મુખ્યમંત્રીની યોજનાએ અનેકના જીવ બચાવ્યા

અમદાવાદઃ ગુુજરાતમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાએ અનેક ગરીબોના જીવનમાં વાત્સલ્યથી ખુશાલી લાવી દીધી. શહેરના વસ્ત્રાલના આવાજ એક ગરીબ રહેવાસી રમેશ પટેલના હૃદયની મફતમાં થઇ બાયપાસ સર્જરી થતાં તેમને નવજીવન મળ્યું છે.

ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબમાં જ્યારે કોઇ ગંભીર બિમારી આવે છે ત્યારે તેવા પરિવારની હાલત ખૂબ જ ખરાબ થઇ જાય છે. તેમાંય અત્યારના કોરોનાકાળમાં જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે તેવા સમયે જે- તે પરિવાર માટે તો તે પહાડ જેવી મુસિબત સમાન બની જાય છે.

રમેશભાઇ પટેલને 24 સપ્ટેમ્બરના રોજ સાંજે અચાનક રમેશભાઇ પટેલને હ્યદયરોગનો હુમલો થયો. તેથી તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. આ હાલતમાં તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાં એન્જિયોગ્રાફી કરતાં ખબર પડી કે હ્યદયની ત્રણ નળીઓ બંધ છે.સ્ટેન્ટ મૂકીને ચાલે તેવું નથી અને બાયપાસ સર્જરી જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આ બાયપાસ સર્જરી માટે રુ.5 લાખનું એસ્ટિમેટ ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું.

આવી ગંભીર બિમારીની માનસિક વ્યથા અને આટલી મોટી રકમ ખર્ચીને ઓપરેશન કરાવવાની આ સામાન્ય પરિવારની આર્થિક ક્ષમતાની બહાર હતું. ઓપરેશન કરાવવું પણ જરૂરી હતું તો તે કરાવવાની આર્થિક સ્થીતિ નહોતી. જીવન બચાવવું એટલું જ અગત્યનું હતું.આવા તુમૂલ સંઘર્ષમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (માં) કાર્ડ તેમની વ્હારે આવ્યું અને આ કાર્ડ દ્વારા તેમનું મફત ઓપરેશન થતાં તેમને નવજીવન મળ્યું છે.

હોસ્પિટલમાં લઇ ગયાં ત્યારે આ બાયપાસ સર્જરીના ઓપરેશનના રુ. 5 લાખ થી વધુ થશે તે સાંભળીને તો પરિવારના હોસકોસ જ ઉડી ગયાં હતાં. લોકડાઉનમાં નાનું મોટું કામ કરતાં હતાં તે બંધ થઇ ગયું હતું. નાણાકીય ભીડ તો હતી જ તેમાં આ વળી અચાનક આફત આવી પડી.

આટલી મોટી રકમની સગવડ તો ક્યાંથી હોય? આવા સમયે ડોક્ટરે તમારી પાસે માં કાર્ડ છે તેવું પૂછતાં પરિવારે કહ્યું કે, આવું કાર્ડ કઢાવ્યું તો છે. પછી તેઓ ઘરે જઇને તે કાર્ડ લઇ આવ્યા અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કહ્યું કે માં કાર્ડ દ્વારા સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત હોસ્પિટલમાં તમારી સારવાર મફત થઇ જશે.

આ સાંભળી પરિવારમાં એક આશા જાગી કે ચલો આ કાર્ડથી ઓપરેશન થતું હોય તો ગંગા નાહ્યાં.

આ કાર્ડ દ્વારા રુ. 5 લાખ સુધીના હ્યદયની મફત સારવાર થાય છે તેવું તેમણે જાણ્યું અને લઇને સરસપુર ખાતે આવેલ નારાયણ હ્યદયાલય પહોંચ્યાં. જ્યાં તેમનું આ કાર્ડને આધારે મફત બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું અને રમેશભાઇને નવજીવન મળ્યું.અત્યારે તેમની તબિયત સ્થિર છે અને તેઓ માં કાર્ડનો આભાર માનતાં કહે છે કે, આ કાર્ડ નથી જીવનદાતા કાર્ડ છે.

રમેશભાઇ આ અંગે કહે છે કે હોસ્પિટલમાં દવા સાથે ખાવા-પીવાની પણ ઉત્તમ સારવાર મળી હતી. આ ઉપરાંત હું ઓપરેશન બાદ ઘરે જવા માટે નિકળ્યો ત્યારે ઘરે જવા માટે પણ રૂ.300 ભાડાના આપવામાં આવ્યા હતાં.

તેમણે ગળગળા સ્વરે કહે છે કે, 108 અને તેના જેવી અન્ય યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર સાચા અર્થમાં લોકોનું જીવન બચાવવાનું કાર્ય કરી રહી છે. આ માટે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

તેમણે કહ્યું કે, લોકડાઉન પહેલાં હું જે કામ કરતો હતો તે બંધ થઇ ગયું હતું. આર્થિક સંકળામણ વધતી જતી હતી. અને ઉપરથી અચાનક આ બિમારી આવી. આવી કશ્મકશ વચ્ચે જવું તો જવું ક્યાં તે પ્રશ્ન હતો. પરંતુ અણીના સમયે માં કાર્ડ મદદમાં આવ્યું.

અમૃતમ વાત્સલ્ય કાર્ડના હોત તો મારો જીવ બચાવવો મુશ્કેલ બની જાત. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની આ યોજના સર્વોત્તમ છે. જેનાથી મારા જેવાં અસંખ્ય લોકોના બંધ હ્યદય ધબકતાં થયાં છે અને તેમને સાચા અર્થમાં નવજીવન મળ્યું છે.

તાજેતરમાં જ વિશ્વ હ્યદય દિવસ ગયો. અત્યારની બદલાયેલી જીવનશૈલી અને ભાગદોડ ભરી જીંદગીમાં ટ્રેસનું પ્રમાણ વધ્યું છે ત્યારે હ્યદગરોગના કેસ પણ વધતાં જાય છે તેવા સમયે અમૃતમ વાત્સલ્ય કાર્ડ આવા અસરગ્રસ્તત લોકો માટે આશિર્વાદરૂપ બન્યું છે.

માં કાર્ડ દ્વારા લોકોના વધુને વધુ લોકોનું જીવન બચી રહ્યું છે તે રાજ્ય સરકાર માટે માત્ર એક દિવસની ઉજવણી ન બની રહેતાં દરરોજની હ્યદગ રોગ દિવસની ઉજવણી બની રહ્યું છે.

(10:57 pm IST)