ગુજરાત
News of Wednesday, 14th October 2020

બીએડના નવા અભ્યાસક્રમનું વિમોચન : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવેની ઉપસ્થિતિ

તાલીમ આપતા ગુણવત્તાયુકત શિક્ષકોને તૈયાર કરવા શિક્ષણ - પ્રશિક્ષણ ઉપર ખાસ ભાર મુકાયો : વિજયભાઇ રૂપાણી

સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બીએડ કોલેજો આઇઆઇટીઇ સાથે જોડાયા બાદ હવે વિદ્યાર્થીઓને રાજ્યમાં એક સમાન અભ્યાસક્રમની તાલીમ મળશે : ડો. હર્ષદ પટેલ

ગાંધીનગર તા. ૧૪ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજયુકેશન – આઈઆઈટીઈ) દ્વારા તૈયાર કરવામાં આવેલા બી.એડ.ના નવા અભ્યાસક્રમનું વિમોચન માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માન. શિક્ષણ રાજયમંત્રીશ્રી વિભાવરીબેન દવે અને આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું .

મુખ્યમંત્રીશ્રીએ નવા અભ્યાસક્રમનાનું વિમોચન કરતા જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં નવી પેઢીના બાળકોને તાલીમ આપતા ગુણવત્તાયુકત શિક્ષકોને તૈયાર કરવા માટે શિક્ષણ પ્રશિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ નીતિમાં જ બી.એડ.ના અભ્યાસક્રમને ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ ડિગ્રી અભ્યાસક્રમ સાથે જોડવાનું સૂચન છે. આથી આઈઆઈટીઈએ તૈયાર કરેલો આ અભ્યાસક્રમ, રાજયની તમામ સરકારી અને અનુદાનિત બી.એડ. કોલેજોમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ભવિષ્ય માટે જરૂરી છે, તેવાં કૌશલ્યો અને સમજ વિકસાવવામાં ખૂબ જ મદદરૂપ બનશે તેવો મને વિશ્વાસ છે.'

મુખ્યમંત્રીશ્રીએ આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલને તાજેતરમાં જ જાહેર થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચનોને ખૂબ જ ઓછા સમયમાં બી.એડ.ના અભ્યાસક્રમમાં સામેલ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

આઈઆઈટીઈના નવા બી.એડ. અભ્યાસક્રમની રૂપરેખા આપતા આઈઆઈટીઈના કુલપતિ ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે, 'આ અભ્યાસક્રમની રચના પ્રવર્તમાન નેશનલ કરિકયુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજયુકેશન – ૨૦૦૯ના આધારે અને જાહેર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચનો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમની ચર્ચામાં ૨૦૦ થી વધુ અધ્યાપકોના સૂચનો મળ્યાં હતાં. સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ બી.એડ. કોલેજો આઈઆઈટીઈ સાથે જોડાયા બાદ હવે વિદ્યાર્થીઓને રાજયમાં એક સમાન અભ્યાસક્રમની તાલીમ મળશે.'

આ અભ્યાસક્રમની ખાસિયતો જણાવતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે, 'આ અભ્યાસક્રમમાં કલા, સાહિત્ય, વિજ્ઞાનનો સમન્વય સાધવામાં આવ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સૂચન અનુસાર હવે શિક્ષકોને ૪ ભાષાઓનું જ્ઞાન હોવા પર ભાર મૂકવામાં આવ્યો છે, આથી અમે આ અભ્યાસક્રમમાં ભાવિ શિક્ષકો માટે ૪ ભાષાઓ શીખવાની પ્રક્રિયાને આવરી લીધી છે. આ ઉપરાંત બી.એડ. કોલેજોના તાલીમાર્થીઓને તબક્કાવાર ૧૬ સપ્તાહ એટલે કે બે વર્ષના અભ્યાક્રમમાં લગભગ ૪ મહિના જેટલા સમયગાળા માટે ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઇન્ટર્નશીપ કરવાની બાબતને પણ આ અભ્યાસક્રમમાં મૂકવામાં આવી છે.'

આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો. હિમાંશુ પટેલ, યુનિવર્સિટીના ડીન ડો. કલ્પેશ પાઠક, પ્રા. દિવ્યા શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

(2:07 pm IST)