ગુજરાત
News of Wednesday, 14th October 2020

નવરાત્રિ અને દિવાળીમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્‍યતા વચ્‍ચે સુરતમાં ચેતવણીઃ અડાજણમાં એક જ પરિવારના 20 સભ્‍યોને કોરોના પોઝીટીવ આવતા દોડધામ

સુરત : રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે-ધીમે ઘટાડો તો નોંધાઈ રહ્યો છે પરંતુ તેમ છતાં હજુ પણ રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી. એવામાં કોરોના વાયરસનાં એપિ સેન્ટર સુરતમાં પાલિકા દ્વારા નવરાત્રિ અને દિવાળીમાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વચ્ચે મોટી ચેતવણી જાહેર કરી છે. નોંધનીય છે કે, સુરતનાં અડાજણ કૃષ્ણકુંજ સોસાયટીમાં 20 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે.

ઘણાં દિવસો બાદ એક જ સોસાયટી અને એક જ પરિવારમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં છે. ત્યારે જો વધારે સંખ્યામાં લોકો ભેગાં થશે તો નવરાત્રિ અને દિવાળીમાં કોરોના સક્રમણ વધવાની ચેતવણી પાલિકાએ ઉચ્ચારી છે. શહેરના રાંદેર ઝોનમાં પણ કોરોનાના કેસ નિયંત્રણમાં રાખવા પાલિકા છેલ્લાં બે મહિનાથી મહેનત કરી રહી છે.

શહેરના અડાજણ વિસ્તારની કૃષ્ણકુંજ સોસાયટીમાં કોરોનાના કેસો વધુ હોવાની ફરિયાદ મળતા પાલિકાએ ધન્વંતરી રથ મુકી રેપિડ ટેસ્ટની કામગીરી હાથ ધરી હતી. સોસાયટીનાં રહીશોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતા માત્ર ચાર જ ઘરમાં વીસ વ્યક્તિ કોરોના સંક્રમિત જોવા મળી હતી. જેનાં લીધે પાલિકાએ તાત્કાલિક અસરથી સોસાયટીનાં તમામ રહીશોને તકેદારી રાખવા સુચના આપી છે. આ સાથે કોરોના પોઝિટિવ આવેલા મોટા ભાગનાં લોકો નજીકના મંદિરે જતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી આગામી દિવસોમાં નવરાત્રિમાં ભેગા થવાનું વિચારતા લોકો માટે આ આંખ ઉઘાડનારો દાખલો છે.

નવરાત્રિ-દિવાળી જેવાં તહેવારોની ઉજવણી દરમિયાન લોકો ભેગા થવાનું ટાળે

નોંધનીય છે કે કોરોના અંગે પાલિકાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી જેવાં તહેવારોની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનું ટાળે. કેમ કે જો આ કોરોના મહામારીમાં લોકો વધારે માત્રામાં ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. થોડાં જ દિવસોમાં શિયાળો પણ શરૂ થશે જેથી એક તરફ કોરોના અને બીજી તરફ ઋતુજન્ય રોગો એવી બંને સ્થિતિ એક સાથે ઊભી થઇ શકે છે. ત્યારે આવી સ્થિતિમાં સંક્રમણનું પ્રમાણ વધશે.

એમાંય ખાસ કરીને વરિષ્ઠ વ્યક્તિઓ કે જેઓને ડાયાબીટીસ કે બ્લડપ્રેસર જેવી બિમારી હોય તેઓએ તો ખાસ કાળજી રાખવાની આવશ્કતા છે. ઘણાં લોકો બહાર નિકળતી વખતે નાના બાળકોને માસ્ક પણ પહેરાવતા નથી. જે ખૂબ ગંભીર બાબત છે. નવરાત્રિ અને દિવાળી દરમિયાન કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા શહેરીજનો અવશ્ય સરકારે બહાર પાડેલી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત થોડાં દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસો આવતા હતાં. તેમાં છેલ્લાં કેટલાંક દિવસોથી તો ઘટાડો થયો છે. ત્યાં જ ગઇ કાલે મંગળવારના રોજ 1200થી પણ ઓછા કેસ આવ્યાં છે. કોરોના સંક્રમણ ફેલાવાના ગ્રાફમાં ગઇ કાલે 1158 પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેથી ગુજરાતમાં કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 1,53,923એ પહોંચી ગઇ છે.

જ્યારે રાજ્યમાં વધુ 10 દર્દીઓએ દમ તોડ્યો. જેથી ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3587એ પહોંચ્યો છે. જ્યારે 1375 લોકો છેલ્લાં 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા છે. ત્યાં રાજ્યમાં ગઇ કાલે 50,993 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

(4:43 pm IST)