ગુજરાત
News of Wednesday, 14th October 2020

અમદાવાદમાં ટ્રાફિક અને હેલ્‍મેટના નિયમોનો ભંગ કરનારા 100.10 કરોડની ઇ-મેમાની રકમ વાહનચાલકોએ ભરી નથી

અમદાવાદ: શહેરમાં વાહનચાલકો બેફામ થઇને વગર હેલ્મેટ અને ટ્રાફિકના કોઇ પણ નિયમો પાળ્યાં વગર લોકો ગાડી ચલાવતા હોય છે. ત્યારે હાલમાં કોરોનાની આ મહામારીમાં લોકો માત્ર માસ્ક પહેરવાનું જ યાદ રાખે છે કેમ કે માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવે છે. જેથી લોકો માસ્ક ફરજિયાત પહેરે છે. પણ કદાચ લોકોને એ યાદ નહીં હોય કે હજી પણ ઇમેમો આપવાનું બંધ નથી થયું. ત્યારે નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 57.80 લાખ વાહન ચાલકોને ઈ-ચલણ મોકલી આપવામાં આવ્યાં હતાં. પરંતુ હજી સુધી અમવાદીઓએ દંડ ભરવાની પણ તસ્દી લીધી નથી.

પાંચ વર્ષમાં કુલ રૂ. 150 કરોડથી પણ વધુ દંડના ઈ-ચલણ ફાટ્યાં છે. જેમાંથી ટ્રાફિક પોલીસ માત્ર રૂ. 39.53 કરોડ દંડની રકમ વાહન ચાલકો પાસેથી વસૂલ કરી શકી છે. જ્યારે હજુ પણ રૂ. 101.10 કરોડ વાહન ચાલકો પાસેથી વસૂલ કરવાના બાકી છે. આમ, ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી વસૂલ કરેલ દંડની રકમ કરતા ખર્ચા વધુ થયા હોવાની પોલીસ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે.

માત્ર એટલું જ નહીં પરંતુ ઈ-ચલણની વસૂલાત માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં તો સ્પેશિયલ સ્કવૉડ પણ બનાવવામાં આવી છે. પરંતુ અહીં સ્પેશિયલ સ્કવૉડ ઉપર પણ કેટલાંક પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં સરેરાશ 2000 કરતા પણ વધુ વાહનો ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવાને કારણે ટ્રાફિક પોલીસ ઇ-ચલણ ફટકારી રહી છે. જો કે તેની સામે ટ્રાફિક પોલીસ માત્ર 250 જેટલાં વાહન ચાલકો પાસેથી જ ઈ-ચલણની વસૂલાત કરી રહી છે.

ટ્રાફિક વિભાગનાં આંકડાઓ અનુસાર 112 કરોડથી પણ વધારે રકમની વસૂલ કરવાની હજી બાકી છે. છેલ્લાં પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે માત્રને માત્ર 39 કરોડનો દંડ વસૂલ્યો છે. ટ્રાફિક વિભાગે અત્યાર સુધીમાં 57,80,825 ઈ-મેમા જનરેટ કર્યાં છે. જેમાં ચાર રસ્તા ઉપર સ્ટોપ લાઈનની આગળ વાહન ઊભા રહેતા વાહન ચાલકોને 36,93,192 જેટલાં ઈ-મેમા મોકલવામાં આવ્યાં છે.

(4:43 pm IST)