ગુજરાત
News of Wednesday, 14th October 2020

પ્રદુષિત વાતાવરણથી કંટાળી ગયેલા માટે કુદરતના ખોળે અદ્‌ભૂત સ્‍થાનઃ સુરત વન વિભાગ દ્વારા કેવડી ઇકો ટુરિઝમ કેમ્‍પ સાઇટમાં ભરપૂર ટેકરીઓ-તંબુ અને કેમ્‍પ ફાયરની સુવિધા

અમદાવાદ: જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય, જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપૂર હોય તથા ટેકરીઓ, તંબૂ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના 'કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ'થી ઉત્તમ સ્થળ બીજુ કયું હોઈ શકે? અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.

કેવડી કેમ્પસાઇટ તમામ દિવસે ખુલ્લુ હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે બંધ હતું, જે હવે 16 મી ઓક્ટોબરે ફરીથી ખુલી રહ્યું છે. જેથી પ્રવાસીઓ રાબેતા મુજબ 16 મીથી મુલાકાત લઈ શકશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 100 પ્રવાસીઓની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે. 

મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રિ રોકાણ માટે સંપર્ક નં. મો. 82382 60600 ઉપર કોલ કરીને બુકિંગ કરાવવું જરૂરી છે. મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ કોરોના મહામારી સામે સરકારની નિયત માર્ગદર્શિકાને અનુસરવી ફરજિયાત છે.  

કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.

(4:46 pm IST)