ગુજરાત
News of Wednesday, 14th October 2020

અમદાવાદ શાહીબાગ વિસ્‍તારની ફિરદૌશ અમૃત સ્‍કૂલની દાદાગીરીઃ જુની ફીના ડિફરન્‍સના નાણા જમા ન કરાવનારા વાલીઓના સંતાનોના બોર્ડના ફોર્મ ન ભરવાની ચિમકી

અમદાવાદ: શિક્ષણ વિભાગે ફીમાં 25 ટકા રાહત આપી છે, છતાં સ્કૂલોની દાદાગીરી ઓછી થતી નથી. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફિરદોશ અમૃત સ્કૂલની દાદાગીરી સામે આવી છે. ફી મામલે સ્કૂલે બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ અને જરૂરી દસ્તાવેજ અટકાવ્યાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલે બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી ઉઘરાવ્યાં બાદ જૂની ફીના ડિફરન્સના નાણાં માગ્યા છે. અને જો વાલીઓ ડિફરન્સના નાણાં જમા ના કરાવે તો બોર્ડનું ફોર્મ ન ભરવાની ચીમકી આપી છે. ત્યારે ગુસ્સે થયેલા વાલીઓએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

વાલીઓએ સુપ્રિમના દરવાજા ખખડાવ્યા

વર્ષ 2014માં સ્કૂલે 25 ટકા ફીમાં વધારો કરતા 370 જેટલા વાલીઓએ હાઇકોર્ટમાં સ્કૂલ વિરુદ્ધ અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટના આદેશ મુજબ વાલીઓ વર્ષ 2014 થી અત્યાર સુધી દર વર્ષે ફી પેટે 24,500 રૂપિયા સ્કૂલમાં જમા કરાવતા હતા. આખરે હવે સ્કૂલે વાલીઓને વર્ષ 2014 થી અત્યાર સુધીમાં ન ભરેલી ફીની રકમ જમા કરાવવા સૂચના આપી છે. અંદાજે 30,000 થી 50,000 રૂપિયા જેટલી રકમ વાલીદીઠ ભરવાનો મેસેજ વાલીઓને કરવામાં આવ્યો છે. ત્યારે વાલીઓ દ્વારા સ્કૂલના આ નિર્ણય સામે પણ સુપ્રિમ કોર્ટમાં અરજી કરાઈ છે.

ઓનલાઈન ક્લાસ બંધ કરવાની ચીમકી

જો વાલી વર્ષ 2014થી સ્કૂલ મુજબ બાકી રહેલી ફી જમા ના કરાવે, તો તેમના બાળકોના 15 ઓક્ટોબરથી ઓનલાઈન કલાસ બંધ કરવાની સ્કૂલે ચીમકી આપી છે. ફી મામલે ફેબ્રુઆરી 2020માં હાઇકોર્ટે વાલીઓને FRC માં જવાનું કહ્યું હતું. FRC બાદ રાહત મેળવવા વાલીઓ આખરે સુપ્રિમ કોર્ટના શરણે પહોંચ્યા છે.

(4:47 pm IST)