ગુજરાત
News of Wednesday, 14th October 2020

અમદાવાદ: પંજાબના લુધિયાણાથી બે શખ્સો કારમાં લઇ જતા ચરસના જથ્થા સાથે પાલનપુર ટોલનાકા નજીકથી રંગે હાથે ઝડપાયા

અમદાવાદ: પંજાબના લુધીયાણાથી બે શખ્સો કારમાં ચરસનો જથ્થો લઈને જવાના હોવાની માહિતીને આધારે એટીએસે પાલનપુર ટોલનાકા પાસેથી બે શક્સોને ઝડપી લીધા હતા. પોલીસે કારમાં તપાસ કરતા સફરજનની પેટીઓમાં સંતાડેલો ૧ કરોડ ૨ લાખ રૃપિયાની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ લુધીયાણાથી ચરસ લઈને મુંબઈમાં ઈમરાન નામના શખ્સને આપવા જવાના હતા અને આ કામ માટે તેમને રૃ.૫૦,૦૦૦ મળવાના હતા, એમ પોલીસે કહ્યું હતું.

 ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો મહારાષ્ટ્ર પાસીંગની વેગનઆર કારમાં ચરસનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે પાલનપુર ટોલનાકા પાસે મલાણા ગામ નજીક મહાકાલ હોટેલ પર વોટ ગોઠવી હતી. જેમાં વેગનઆર કાર આવતા જ પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં કારમાં સફરજનની પેટીઓમાં સફેદ પ્લાસ્ટીકના થેલામાં માદક પદાર્થ મળી આવ્યો હતો. તપાસ કરતા આ માદક પદાર્થ ચરસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧ કરોડ ૨ લાખ રૃપિયાની કિંમતનો ૧૬.૭૫૩ કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરીને બે શખ્સોની અટક કરી હતી.

(5:58 pm IST)