ગુજરાત
News of Wednesday, 14th October 2020

વડોદરામાં હાર્ડવેરની દુકાનમાં કામ કરતો કારીગર રોકડ સહીત સામાનની ઉઠાંતરી કરી છૂમંતર......

વડોદરા: શહેરના જેતલપુર રોડ પર આવેલા ઇન્ડિયાબુલ્સની હાર્ડવેરની દુકાનમાં કામ કરતો કર્મચારી દુકાનમાંથી રૂપિયા 23.92 લાખની કિંમત ધરાવતો હાર્ડવેરનો સામાન તથા મારૂતિ વાનની ચોરી કરી નાસી છૂટવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે કર્મચારી વિરૂદ્ધ નોકર ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ શાહ જેતલપુર રોડ પર આવેલા ઇન્ડિયાબુલ્સ ખાતે તીર્થ માર્કેટિંગ નામની હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી રવિ ચૌહાણ(ભાડેથી રહે- નરસિંહ ધામ સોસાયટી, મધર સ્કૂલ પાસે, ગોત્રી,વડોદરા- મૂળ રહે/સાદરા ગામ, સાચોર તાલુકો, જાલોર જિલ્લો, રાજસ્થાન) નોકરી કરતો હતો. નવ મહિના અગાઉ દુકાન માલિક હીમાંશુ ભાઈને અકસ્માત નડતા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓએ કર્મચારીઓ પર ભરોસો મૂકી દુકાને અવરજવર ઓછી કરી હતી. અને દુકાનની તથા વાહનોની ચાવીઓ કર્મચારીઓ પર ભરોસો હોવાના કારણે સોંપી હતી. ગઇ 14મી સપ્ટેમ્બરના રોજ દુકાનના કર્મચારીએ જણાવ્યું હતું કે દુકાનમાં ચોરી થઈ છે અને હાર્ડવેરનો સામાન ચોરાયો છે તેમજ સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખ્યા છે અને તસ્કર ડીવીઆર પણ સાથે લઈ ગયો છે. જેથી દુકાન માલિક હિમાંશુભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ કરતા દુકાનની શટરના તાળા સહી સલામત જણાતા શંકા ઉપજી હતી. તેમજ પાર્કિંગમાં મૂકેલી તેઓની માલિકીની મારૂતિ વાન પણ ગાયબ હતી. 

(5:59 pm IST)