ગુજરાત
News of Wednesday, 14th October 2020

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં એક સાથે ત્રણ અલગ અલગ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લૂંટફાટ કરતા લોકોમાં ભયનો માહોલ

આણંદ:જિલ્લાના પેટલાદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો ત્રાસ બેફામ બન્યો છે. ગઈકાલ રાત્રિના સુમારે તસ્કરોએ કેટલાક પંથકમાં ત્રણ અલગ-અલગ મકાનોને નિશાન બનાવતા સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે.

વધુમાં મળતી માહિતી મુજબ તાલુકા મથક પેટલાદ શહેરના જોશીની ચાલી વિસ્તારમાં ગઈકાલ મધ્યરાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી કિંમતી દાગીના સહિત રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ઘટનાને પગલે આસપાસના રહીશો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન આ બનાવ અંગે મકાન માલિક દ્વારા પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પેટલાદ તાલુકાના ઈસરામા ગામે આવેલ આદ્યપાર્ક સોસાયટી ખાતેના એક બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ સાંપડયા છે. આ બંધ મકાનના દરવાજાના નકુચા તોડી દસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંધ મકાનમાં કોઈ રહેતું ન હોઈ તસ્કરોને ફોગટ ફેરો પડયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત શ્રેયસ પાર્ક વિસ્તારમાં પણ તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. પેટલાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ નાઈટ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. પોલીસ દ્વારા સઘન નાઈટ પેટ્રોલીંગ હાથ ધરી તસ્કર ટોળકીને ઝબ્બે કરવામાં આવે તેવી માંગ ઊઠી છે

(6:03 pm IST)