ગુજરાત
News of Thursday, 14th October 2021

ABVPએ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય બંધ કરાવી દીધુ

સુરતની ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા : એબીવીપીનું આ વિરોધ પ્રદર્શન વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, પાટણ, ભાવનગર સુધી ફેલાયુ

ગાંધીનગર,તા.૧૩ : સુરતમાં એબીવીપીના વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યા બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. રાજ્યભરમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, પાટણ, ભાવનગર સુધી ફેલાયુ હતું. સુરત પોલીસ વિરૂદ્ધ શૈક્ષણિક કાર્યનો બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું હતું. આખા રાજ્યની યુનિવર્સિટીઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરતમાં બનેલી ઘટનાનો વડોદરામાં એબીવીપીએ વિરોધ કર્યો હતો. એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીના હેડ ઓફિસ પર વિરોધ કરવા પહોંચ્યા હતા. હાથમાં એબીવીપીના ઝંડા અને પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. એબીવીપી કાર્યકરોએ ગેટ પર પોતાના ઝંડા લગાવ્યા અને ગેટ પર ચઢી કર્યા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત પોલીસ સામે હાય હાયના નારા લગાવ્યા હતા.

            તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહી થાય તો હજી ઉગ્ર આંદોલન કરીશું તેવું એબીવીપીએ કહ્યું હતું. આગામી સમયમાં વડોદરાથી ૧૦૦૦૦ કાર્યકરો સુરત જશે. રાજકોટ-સુરતમાં VNSGUમાં ગરબા દરમિયાન પોલીસ દ્વારા વિધાર્થીઓને માર મારવાનો મામલે એબીવીપી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. એબીવીપીના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બંધ કરવાની ચીમકી આપી છે. એબીવીપીના વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. સુરતની ઘટનાના પગલે જામનગરમાં એબીવીપી દ્વારા આક્રમક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એબીવીપી દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી બંધ કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા તાળાબંધી કરાઇ હતી. આયુર્વેદ યુનિવર્સિટીમાં વહીવટી અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવાયું હતું. સુરતની ઘટનામાં દોષિત પોલીસ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરાઈ હતી.

(9:18 pm IST)