ગુજરાત
News of Thursday, 14th October 2021

અમદાવાદની ખ્યાતનામ ઇન્ફીનીટી મેટલ્સ ઇન્ડિયાના માલીકને ચેક રિટર્ન કેસમાં કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૧૪ : સ્થિત અરનો એકઝીમ અને ફેઈર ડીલ નામની કંપનીઓ પાસેથી એડવાન્સ પેમેન્ટ પેટે કરોડો રૂપીયા લઈ માલ ન આપનાર અમદાવાદના પ્રખ્યાત ઈન્ફીનીટી મેટલ્સના માલિક શાશ્વત અજયકુમાર સોની સામે રાજકોટની અદાલતમાં થયેલ ચેક રીટર્નની ફોજદારી ફરીયાદમાં અદાલતે આરોપીને હાજર થવાનો હુકમ કરેલ.
આ કેસની હકીકત એવી છે કે રાજકોટના નાનામૌવા રોડ પર આવેલ મીલેનીયમ ટાવરમાં 'અરનો એકઝીમ' અને 'ફેઈર ડીલ' નામની કંપનીઓના અધિકૃત વ્યકતી જગદીશભાઈ પટેલે પોતાની અદાલત રૂબરૂની બે અલગ–અલગ ફરીયાદમાં જણાવેલ છે કે, તેઓની પેઢીઓ દ્વારા વિવિધ પ્રકારના મેટલ્સ, બીન ખાદ્યતેલ, પેટ્રોલીયમ પ્રોડકટસ, સીરામીક પ્રોડકટસ વિગેરેનું ખરીદ–વેંચાણ તથા ઈમ્પોર્ટ–એક્ષપોર્ટનું કામકાજ કરવામાં આવે છે અને તેમની ધંધાકીય જરૂરીયાત માટે કોપર સ્ક્રેપ અને કોપર કેથોર્ડસની જરૂરીયાત હોવાનુ આરોપીને માલુમ પડતા તેણે ફરીયાદી પેઢીઓનો સંપર્ક કરેલો અને પોતે કોપર કેથોર્ડસ તથા કોપર સ્ક્રેપ વ્યાજબી ભાવે મોકલી આપવાની બાહેંધરી આપતા ફરીયાદી દ્રારા બંન્ને પેઢીઓમાંથી થઈ કુલ પોણા સાત કરોડ (રૂ. ૬,૭પ,૦૦,૦૦૦) જેવી રકમ આરોપીના ખાતામાં એડવાન્સ પેમેન્ટ પેટે જમા કરાવેલ હતી જે પૈકી આરોપી દ્રારા સવા ચાર કરોડ આસપાસની રકમનું કોપર કેથોર્ડસ તથા કોપર સ્ક્રેપ પુરૂ પાડવામાં આવેલ અને બાકી રહેતી અંદાજે રકમ રૂપીયા બે કરોડ ચાલીસ લાખનો માલ લાંબા સમય સુધી ન મોકલાવતા ફરીયાદીએ આપેલ એડવાન્સ રકમ પરત માંગેલ હતી. જે રકમ ચુકવવા પેટે આરોપી 'અરનો એકઝીમ પ્રા.લી.' ના નામનો રૂ. ૧,પ૯,૧૭,૯૯૬ તથા 'ફેઈર ડીલ' પેઢીના નામનો રૂ. ૭૯,૭પ,ર૮૦ એમ કુલ બે ચેકો લેખીત બાંહેધરી પત્રો સાથે ફરીયાદી જગદીશભાઈ પટેલને આપેલ હતા અને બન્ને ચેકો બેંકમાં રજુ થયેથી ચોકકસપણે વટાવાય જશે તેવી લેખીતમાં બાંહેધરી આપતા ફરીયાદીએ ચેકો સ્વીકારેલ હતા.
આરોપી શાશ્વત સોની કે જે ખુબ જ પ્રખ્યાત કંપની 'ઈન્ફીનીટી મેટલ્સ'ના માલીક હોય ફરીયાદી દ્વારા ચેકોનો સ્વીકાર કરી બંન્ને ચેક તેમના ખાતામાં જમા કરાવતા બંન્ને ચેકો આરોપીએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધેલ હોવાના કારણે પરત ફરેલ હતા. કરોડોની રકમના ચેક પરત ફરતા ફરીયાદી દ્વારા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત આરોપીને નોટીસ આપી રકમ ચુકવી આપવા જાણ કરતા આરોપીએ ચેક મુજબની રકમ પૈકી રૂપીયા બાર લાખ ફરીયાદીને ચુકવેલ પરંતુ બાકી રકમ ચુકવેલ ન હોય નોટીસ સમય પુરો થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં ઉપર મુજબની હકીકતો જણાવી ફરીયાદ દાખલ કરેલ હતી. ફરીયાદી દ્વારા દાખલ કરાયેલ ફરીયાદના કામે રજુ થયેલ તમામ દસ્તાવેજોનો ચીવટપુર્વક અભ્યાસ કર્યા બાદ અદાલતને આરોપી વિરૂઘ્ધ પ્રથમ દર્શનીય ગુન્હો હોવાનુ જણાતા રાજકોટના અધીક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે ઈન્ફીનીટી મેટલ્સના માલિક આરોપી શાશ્વત અજયકુમાર સોનીને અદાલત સમક્ષ હાજર થવા હુકમ કરેલ હતો.
આ કામમાં ફરીયાદી કંપનીઓ તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, કૃણાલ વિંધાણી રોકાયેલ હતા.

 

(12:02 pm IST)