ગુજરાત
News of Saturday, 14th November 2020

વડોદરામાં ધનતેરસના દિવસે વાહનો ખરીદવા પડાપડીઃ 1500થી વધુ મોટર સાયકલ અને 1 હજારથી વધુ કારનું એક જ દિવસમાં વેંચાણ

વડોદરા: દિવાળીના તહેવારોની શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે ધનના દેવતા કુબેરની આરાધના કરવાનો દિવસ છે. ધનતેરસ પર સોનુ-ચાંદી અને ગાડીઓની ખરીદી કરવુ ભારતીય પરંપરા છે. નવા વાસણો, સોના-ચાંદીના સિક્કા, દાગીના, ગાડીઓ લેવા માટે આજના દિવસે સારુ મુહૂર્ત કહેવાય છે. વર્ષે સાંજે 6 વાગ્યા બાદ કાળી ચૌદશની તિથિ હોવાથી લોકો પાસે નવી વસ્તુઓ ખરીદવાનો સમય ઓછો છે. એવુ કહી શકાય કે માત્ર અડધો દિવસ છે. ત્યારે વડોદરામાં પણ લોકોમાં ખરીદીને લઈને નવો ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરામાં સવારે 11 થી 3 દરમિયાન લગભગ મોટાભાગની દુકાનોમાં ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને વાહનોની દુકાનોમાં.

આજે 11 વાગ્યાનું મુહૂર્ત હોવાથી વડોદરાના ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરોના શો રૂમમાં બાઇક, મોપેડ, કાર, ઓટો રિક્ષા, ટેમ્પો સહિતનાં વાહનો ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા હતા. મોટા ભાગના લોકોએ અગાઉથી વાહનો બુક કરાવી દીધાં હતાં.

1000 થી વધુ કારનું વેચાણ

વડોદરામાં આજે ધનતેરસના તહેવારોમાં વાહન તેમજ નવી ખરીદી માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. 11 થી 3 દરમિયાન વાહન ખરીદી માટે ઉત્તમ મુહૂર્ત છે. ત્યારે આજે શહેરમાં આશરે 1500 ટુ વ્હીલર્સનું વેચાણ થશે. સાથે જ 1000 થી વધુ કારનું પણ વેચાણ થશે. નાગરિકોએ આજના દિવસ માટે અગાઉથી બુકિંગ કરાવ્યા હતા. આજે શહેરના તમામ શોરૂમ પર વાહનોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

નવરાત્રિ બાદ સારી ખરીદી નીકળી

એક શો રૂમના સેલ્સ મેનેજરે કહ્યું કે, સેલ્સ મેનેજરે કહ્યું કે, ગ્રાહકોનો રિસ્પોન્સ ગત વર્ષ કરતા ઓછો છે, પરંતુ ખરીદી સારી છે. નવરાત્રિ બાદ પહેલીવાર આવી ખરીદી નીકળી છે. આજે બેવડુ મુહૂર્ત છે, તેથી બપોર સુધી લોકો વાહનોની ડિલીવરી લઈ રહ્યાં છે. અનેક લોકોએ એડવાન્સ બુકિંગ કરી દીધું હતું. દશેરા કરતા દિવાળીએ સ્ટોક અમે રાખ્યો હતો. તેથી આજે કોઈને પણ ગાડી વગર પાછા વાળ્યા નથી. ગત વર્શ કરતા 30 થી 40 ટકા બિઝનેસ ડાઉન છે.

મંગળ બજારમાં છેલ્લી ઘડીની ખરીદી નીકળી

વડોદરામાં દિવાળીએ છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા છે. ખરીદી કરવા બજારમાં ભીડ વધુ જોવા મળી. મંગળ બજારમાં ખરીદી કરવા માટે નાગરિકો આવી રહ્યા છે. ત્યારે બપોર બાદ બજારમાં ગ્રાહકોની ભીડ ઉમટી છે. મંગળ બજારમાં નાની મોટી થઈને 1500 દુકાનો આવેલી છે.

(4:31 pm IST)