ગુજરાત
News of Saturday, 14th November 2020

સુરતમાં ગોલ્‍ડની મિઠાઇનો હાર તૈયાર કરાવ્‍યોઃ ખાસ ઇમ્‍પોર્ટ કરેલી મિઠાઇ ઉપર સોનાની વરખ અને સ્‍ટોન લગાવાયા

સુરત: કંઈક નોખુ કરવા માટે સુરતવાસીઓ હંમેશા તૈયાર હોય છે. તાજેતરમા શરદપૂર્ણિમાએ સુરતની સોનાની ઘારી દેશભરમાં ફેમસ થઈ ગઈ હતી. ત્યારે હવે દિવાળીએ મીઠાઈનો હાર માર્કેટમાં આવ્યો છે. ભારતમાં પહેલીવાર ગોલ્ડની મીઠાઈનો હાર ડાયમંડ સિટી સુરતમાં તૈયાર કરાયો છે. તેની ખાસિયત છે કે, હારને ખાઈ પણ શકાય છે. ત્યારે હવે સુરતનો મીઠાઈનો હાર ચર્ચામાં આવ્યો છે.

કોઈ પણ ખાઈ શકાય તે રીતે સોનાના હારમાં વપરાયેલા સોનાને પ્રોસેસ કરાયું છે. ખાસ ઇમ્પોર્ટ કરેલ મીઠાઈ પર સોનાની વરખ અને સ્ટોન લગાવાયા છે. મીઠાઈના હાર પર લગાવાયેલા સ્ટોન પણ ખાઈ શકાય તેવા છે. એક સોનાના મીઠાઈના હારની કિંમત 31 હજાર છે. દુકાનદાર દ્વારા આવા બીજા 2 હાર બનાવાયા છે. તો બીજા હારની કિંમત 21 હજાર રૂપિયા મૂકાઈ છે.

સુરતીઓમાં ડિમાન્ડ થતા ગોલ્ડના મીઠાઈવાળા હાર તૈયાર કરાયા છે. એક હારમાં 5 ગ્રામ અને બીજા હારમાં 2.5 ગ્રામ સોનાનો ઉપયોગ કરાયો છે. 21 હજારની કિંમતના હાર પર મણકાથી સજાવટ કરાઈ છે, જે પણ ખાઈ શકાય તેવા છે. મીઠાઈના હાર બનાવનાર વેપારીએ જણાવ્યું કે, એક હારને ત્રણ દિવસની મહેનત બાદ તૈયાર કરવામા આવ્યા હતા. હારને આર્ટિસ્ટ પાસે ખાસ બનાવવામાં આવ્યા છે. માર્કેટમાં તેની ડિમાન્ડ હોવાથી તેને બનાવાયા છે.

(4:34 pm IST)