ગુજરાત
News of Saturday, 14th November 2020

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓક્ટોબર મહિનામાં 18 દિવસની કામગીરીમાં 206 જજમેન્ટ આપ્યા

સિંગલ જજ બેન્ચ દ્વારા 193 અને ડિવિનઝ બેન્ચ દ્વારા 13 જજમેન્ટ અપાયા: કેસ ફાઈલિંગની સંખ્યામાં 9.37 ટકાનો વધારો

અમદાવાદ : કોરોના મહામારીને લીધે પાછલા સાત મહિનાથી ગુજરાત હાઈકોર્ટમાં વીડિયો કૉંફેરેન્સથી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ઓક્ટોબર મહિનાની કામગીરી એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર મહિનાની 18 દિવસની કામગીરીમાં 206 જજમેન્ટ આપ્યા છે. જેમાં સિંગલ જજ બેન્ચ દ્વારા 193 અને ડિવિનઝ બેન્ચ દ્વારા 13 જજમેન્ટ આપવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓક્ટોબર મહિનાની કામગીરી અંગે રજૂ કરાયેલા રિપોર્ટ પ્રમાણે કુલ 16,216 આદેશ આપવામાં આવ્યા છે, જેમાં 14,159 આદેશ સિંગલ બેન્ચ દ્વારા જ્યારે 2057 આદેશ ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલ 206 જજમેન્ટ પણ આપવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં કુલ 7113 નવા કેસ દાખલ થયા જે પૈકી 3168 સિવિલ કેસ અને 3945 ક્રિમિનલ કેસ છે

ગત સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ ઓક્ટોબર મહિનામાં કેસ ફાઈલિંગની સંખ્યામાં 9.37 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 15મી ઓગસ્ટના રોજ ઇ-મેલ માય કેસ સ્ટેટ્સ થકી કેસ સ્ટેટ્સ મેળવવા માટે 1000 જેટલા લોકોએ સબસ્ક્રીપશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે 26મી ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક નિણર્ય લીધો હતો અને વિડીયો કોનફરન્સની સુનાવણીનું પ્રાયોગિક ધોરણે યુ-ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. વર્ચ્યુલ સુનાવણીનું યુ-ટ્યૂબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરનાર ગુજરાત હાઈકોર્ટ દેશની સૌ-પ્રથમ હાઈકોર્ટ બની હતી.

ઓક્ટોબર મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં કુલ 6102 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જે પૈકી 2643 સિવિલ અને 3459 ક્રિમિનલ કેસના નિકાલ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં દરરોજ સરેરાંશ 339 કેસના નિકાલ કરવામાં આવ્યા છે. આ 6102 કેસ પૈકી 25 કેસ પાંચ વર્ષ જુના, જ્યારે 6 કેસ 10 વર્ષ જુના અને 15 વર્ષ જુના 4 કેસનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો

(6:42 pm IST)