ગુજરાત
News of Saturday, 14th November 2020

વલસાડ એસપીના એક વિચારથી પોલીસની માનવતા ભરી છબી પ્રદર્શિત થઇ ઉઠી

સમગ્ર જિલ્લા પોલીસ ગરીબ બાળકો, નિરાધાર વૃદ્ધો તેમજ અન્ય જરૂરિયાત મંદોને મદદ માટે આગળ આવી, વાપી, ડુંગરા પારડી,કપરાડા પોલીસ સ્ટેશનના પીઆઈ ,પીએસઆઈ તેમજ પોલીસ જવાનોએ લોકોના દિલ જીતી લીધા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી ગરીબ બાળકો, નિરાધાર વૃદ્ધો, તેમજ મંદબુધ્ધીના બાળકો સાથે કરી હતી. તેમણે પોતાનામાં રહેલી કરૂણાની લાગણી પ્રદર્શિત કરી પોલીસની કડક હોવાની છાપ ભૂંસવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.

  વલસાડના ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ ગરીબોને મદદ માટે જિલ્લાના અધિકારીઓને આહવાન કરતાં વાપી જીઆઇડીસી પીઆઇ એન. કે. કામળિયા અને પીએસઆઇ એ. કે. દેસાઇએ તેમના વિસ્તાર અંબામાતા મંદિર પાસે બેસતા ભિક્ષુકોને મિઠાઇની વહેંચણી કરી હતી. પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે, પીએસઆઇ જયદિપસિંહ રાજપૂત પરિયા સ્થિત આધાર ટ્રસ્ટ ખાતે વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દિવાળીનો તહેવાર તેમના સ્વજન બની ઉજવી વૃદ્ધોને ભાવ વિભોર કરી દીધા હતા

  . આ સિવાય કપરાડા પીએસઆઇ ભાદરકાએ તેમના આદિવાસી વિસ્તારના બાળકોને મિઠાઇ અને ફટાકડા આપી તેમની દિવાળી યાદગાર બનાવી દીધી હતી. ડુંગરા પીએસઆઇ ચાવડા અને પીએસઆઇ એલ. એસ. રાઠોડે પણ પોતાના વિસ્તારમાં એકલવાયું જીવન જીવતી વૃદ્ધ મહિલાઓને મિઠાઇનું વિતરણ કર્યું હતુ. તેમજ તેમણે આ મહિલાઓને શિયાળાની મોસમને ધ્યાને રાખી ધાબડાનું વિતરણ કર્યું હતુ. જેના પગલે તેમની પણ અનોખી છબી ઉપસી આવી હતી.

(10:41 pm IST)