ગુજરાત
News of Friday, 15th January 2021

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં પતંગ લૂંટવા જતા 2 સગા ભાઇઓના મોત નીપજતા અરેરાટી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉતરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીં પતંગ લૂંટવા જતા બે સગાભાઇઓનાં મોત નિપજ્યાં હોવાની કરૂણાંતિકા સામે આવી છે. વિરમગામની નુરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઇઓને ધાબાની નજીકથી પસાર થઇ રહેલા વિજ તારનો કરંટ લાગતા તેઓ બંન્ને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાવની વિગતે મળતી માહિતી અનુસાર જિલ્લાના વિરમગામમાં આવેલી નૂરી સોસાયટીમાં જાવીદભાઇ મીરઝા પોતાનાં પરિવાર રહે છે. આ પરિવારમાં બે સંતાનો છે. મોહમ્મદ તુફેલ છે. પિતા જાવીદ અલીના પુત્રો આજે પતંગ ચગાવવા માટે ધાબા પર ગયા હતા. ત્યારે તેમનાં મોત નિપજ્યાં હતા.

ઘરના ધાબાના બીજા માળની પાસેના વિજતાર પસાર થતો હતો. દરમિયાન આ તાર નજીકથી પતંગ લૂંટવાની લ્હાયમાં મોહમ્મદ તુફેલ જાવેદ મીરઝા (ઉ.વ 17) અને મુંજામીર જાવીદ મીરઝા (ઉ.વ 18) ને કરન્ટ લાગ્યો હતો. કરન્ટના કારણે બંન્ને ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે ત્યાં સુધી પરિવારનાં સભ્યોને પણ આ અંગે માહિતી નહોતી. પરિવાર જ્યારે ઉપર પહોંચ્યો ત્યારે તેમના પર આભ ફાટી પડ્યું હતું.

દરમિયાન ઉતરાયણની પૂર્વ સંધ્યાએ ઘટેલી આ કરૂણાંતિકા બાદ એક જ પરિવારનાં બે કુળદિપક ઓલવાઇ જતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ હતી. બંન્ને મૃતક ભાઇઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અગાઉ અમદાવાદ અને વડોદરામાં પતંગ લૂંટવા જતા બાળકોનાં મોત નિપજ્યાં હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

(5:14 pm IST)