ગુજરાત
News of Friday, 15th January 2021

સુરતના ડિંડોલી વિસ્‍તારમાં ઉત્તરાયણના દિવસે હોમવર્ક ન કરતા માતાએ ટયુશન શિક્ષકને કહેતા વિદ્યાર્થીનીનો ઝેરી દવા પી લઇને આપઘાત

સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ઉત્તરાયણના દિવસે હોમવર્ક ન કરતા માતાએ ટ્યુશન શિક્ષકને કહેતા વિદ્યાર્થીનીને લાગી આવ્યું હતું. જેથી ગુસ્સામાં આવીને કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

ડિંડોલીમાં ધોરણ 10 ની એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આલોક રેસિડન્સીમાં રહેતા પ્રકાશભાઈ પટેલ ઝેરોક્ષની દુકાન ચલાવે છે. તેમની દીકરી ખુશી પ્રકાશભાઈ પટેલ (ઉ.વ. 15) ધોરણ 10માં અભ્યાસ કરે છે. પ્રકાશ પટેલનો પરિવાર મૂળ મહેસાણાનો વતની છે. મકરસંક્રાંતિના રોજ ઓનલાઈન અભ્યાસના લેશન બાબતે માતાએ ખુશીને ઠપકો આપ્યો હતો. તેમજ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ લેશન નથી કર્યું એ ફરિયાદ કરી હતી. ત્યારે ખુશીને આ મુદ્દે મનદુઃખ થયું હતું. ત્યારબાદ કોઈને પણ જાણ કર્યા વગર ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી.

આ બાબતની જાણ દવાની અસર થયા બાદ પરિવારજનોને પડી હતી. માતા જાણ થતા જ તેમણે ખુશીની પૂછપરછ કરી હતી. જેના બાદ ખુશીએ દવા પીધી હોવાનું કહ્યું હતું. જેથી ખુશીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી. જ્યા ટૂંકી સારવાર બાદ ખુશીનું મોત નિપજ્યું હતું. ખુશીના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

તો ઉત્તરાયણના દિવસે જ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી હતી. ખુશી પ્રકાશભાઈની એકની એક દીકરી હતી. તેમજ તેનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હોવાનું સંબંધીઓએ જણાવ્યું હતું. તેથી તેણે આ પગલુ ભર્યું હોઈ શકે તેવી શક્યતા છે.

(5:16 pm IST)