ગુજરાત
News of Saturday, 15th January 2022

મંત્રીઓ માનતા નથી, નિયમો પાળતા નથી :ટુર્નામેન્ટમાં પાણીપુરવઠા મંત્રી જીતુ ચૌધરી માસ્ક વગર જોવા મળ્યા

કોરોનામાંથી બહાર આવ્યા બાદ તેઓ જાહેરમાં આવ્યા હતા અને તે પણ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવાયા

અમદાવાદ : સરકાર દ્વારા જ્યાં એક તરફ જનતાને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ લાગે છે સરકારની ગાઈડલાઇનને સરકારના મંત્રીઓ જ ઘોળીને પી ગયા છે.

 તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વલસાડના કપરાડા ખાતે આયોજીત એક ટુર્નામેન્ટમાં સરકારમાં પાણીપુરવઠા ખાતું સંભાળતા મંત્રી ઉઘાડેછોગ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. એક તરફ વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બીજી તરફ પાણીપુરવઠા મંત્રી જીતુ ચૌધરી એક ટુર્નામેન્ટમાં માસ્ક વગર જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જ પાણીપુરવઠા મંત્રી જીતુ ચૌધરી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હોમ કોરન્ટાઇન થયા હતા. પરંતુ, કોરોના માંથી બહાર આવ્યા બાદ તેઓ અચાનક આમ જાહેરમાં આવ્યા હતા અને તે પણ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહ્યો છે. એક તરફ સરકાર કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા માટે જુદા જુદા કેમ્પેઇન ચલાવી રહી છે, જાહેરનામા બહાર પાડી રહી છે પરંતુ બીજી બાજુ સરકારના મંત્રીઓ જ આમ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા હોય તો સામાન્ય જનતાને શું દોષ આપવો.

(11:44 pm IST)