ગુજરાત
News of Saturday, 15th January 2022

૪ આઇપીએસ સહિત ૩૦૦ પોલીસ સ્‍ટાફ સંક્રમિત થતાં ધડાધડ સાવચેતીના પગલાં લેવાઇ રહ્યા છે

રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડાનો ચાર્ર્જ સીઆઈડી વડા તેજપાલસિંહ બિસ્‍તને સુપ્રત, વેક્‍સિનથી વંચિત બે ટકા બાકી પોલીસ પરિવારને વેક્‍સિન આપવાનો પ્રારંભ : અમદાવાદમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચોધરી દ્વારા જાણીતા સાયન્‍ટિસ્‍ટ ડો.રાગેશ શાહની મદથી પોલીસ સ્‍ટાફ માટે માર્ગદર્શન અને જરૂરી દવાઓ માટે સંકલન

રાજકોટ તા.૧૫, કોરોનાની ત્રીજી લહેર પિક પર પહોંચવા સાથે જેમને જાનના જોખમે ફરજ બજાવવાની છે તેવા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા ગળહ મંત્રી હર્ષ સંઘવીથી માંડી સાવચેતીના આગોતરા પગલાંઓ છતાં રાજ્‍યમાં અધિકારીઓ અને સ્‍ટાફ મળી ૩૦૦ જેટલા પોલીસ સ્‍ટાફ સંક્રમિત થતાં ચિંતાનું મોજું ફરી વળ્‍યુ છે, રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડાનો ચાર્જ ૧૯૮૫ બેચના સીઆઈડી ક્રાઈમના વડા તેજપાલસિંહ બિસ્‍તને સુપ્રત કરવા સાથે જ પોલીસ તંત્રના જે પરિવાર વેક્‍સિનથી જુજ માત્રામાં બાકી છે તેમને વેક્‍સિન લેવડાવવા માટે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.
 અત્રેએ યાદ રહે કે આઇપીએસ લેવલે વાત કરીએ તો આશિષ ભાટિયા, સ્‍ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્‍યુરોના અર્ચના શિવ હરે, આઇબીના એસપી વિશાલ વાઘેલા અને અમદાવાદના એડી.પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારિને કોરોનાના સામાન્‍ય ચિન્‍હો નજરે ચઢતા તેવો ઘેર રહી સારવાર લઈ રહ્યા છે.
 સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મોટાભાગના અધિકારીઓ અને સ્‍ટાફને હળવા લક્ષણો જોવા મળ્‍યા છે પરંતુ પોલીસ મથકમાં પૂરતા સાધનો સાથે કાળજી લેવામાં આવી રહી છે.   
 દરમિયાન રાજ્‍યભરના પોલીસ તંત્રને હેલ્‍ધી ખોરાક લેવાની સૂચનાઓ સાથે શું શું સાવચેતી લેવી જોઇએ? તે બાબતે યોગ્‍ય માર્ગદર્શન મળે તેવી વ્‍યવસ્‍થા અમદાવાદમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને જોઇન્‍ટ પોલિસ કમિશનર અજયકુમાર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી હોવાનું બહાર આવ્‍યું છે, જોકે રાજ્‍યના પ્રત્‍યેક શહેર અને જિલ્લા માટે પણ વ્‍યવસ્‍થા જે તે હેડ દ્વારા કરવામાં આવી છે.
 કોરોના માટે વિવિધ દેશો જેમની સલાહ મેળવે છે તેવા ડો. રાગેશ શાહ જણાવે છે કે સોમચંદ ડોસાભાઈ ટ્રસ્‍ટ દ્વારા અમદાવાદમાં પોલીસ સ્‍ટાફને ટેલી મેડીસીન સેવાઓ અને આયુર્વેદિક દવાઓ અને મેડિકલ કીટ ફાળવવાનું કાર્ય ગતિથી ચાલી રહ્યુ છે.અત્રે યાદ રહે કે સાવચેતી માટે આ ટ્રસ્‍ટ દ્વારા ગત વર્ષ માફક ચાલુ વર્ષે પણ જરૂરી દવાઓની કીટ વિતરણ અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ અને જોઈન્‍ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી હસ્‍તે કરવામાં આવેલ.

 

(12:32 pm IST)