ગુજરાત
News of Saturday, 15th January 2022

અમદાવાદના ચંડોળા તળાવ પાસે ભંગારના ગોડાઉનમાં આગ ભભુકીઃ પ્‍લાસ્‍ટિકની સ્‍ક્રેપ, બોટલ, ચપ્‍પલ, ઇલેકટ્રીક સામાન, વાયર, રમકડા, ફર્નિચર સહિતનો માલસામાન ભસ્‍મીભૂત

આગને કાબુમાં લેવા માટે 2 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

અમદાવાદ: ઉત્તરાયણના તહેવાર પર સૌથી વધુ અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં સાંજે ફટાકડા ફૂટવાને કારણે અનેક આગની અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે વાસી ઉત્તરાયણની વહેલી સવારે આગ લાગી હતી.

સવારે 4.20 કલાકે ફાયર બિગ્રેડને કોલ મળ્યો હતો કે, ચંડોળા તળાવની પાસે આવેલ એસ આર વેસ્ટેજ નામના પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઈન BRTS બસ સ્ટોપની પાછળ આવેલુ છે. આગ એટલી વિકરાળ હતી કે, ફાયર બિગ્રેડનો 35 સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઠારવાનો પ્રયાસ કરાયો હતો.

આગનુ સ્વરૂપ જોતા જ 1 મીની ફાઇટર, 2 ટેન્કર, 9 ગજરાજ, 1 ડિવિઝનલ ઓફિસર, 2 સ્ટેશન ફાયર ઓફિસર સહિતનો 35 સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભીષણ આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડની ચાર બાદ કુલ 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આગને કારણે પ્લાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિઝો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો, ટપ, ફર્નિચર વગેરે બળીને ખાખ થયુ હતું. અલગ અલગ 10 જગ્યાઓ પરથી પાણીની લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવી હતી. ભંગાર ના ગોડાઉન મા‌ લાગેલી આગ બુઝાવવા માટે અંદાજે 2 લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો.

(5:18 pm IST)