ગુજરાત
News of Saturday, 15th May 2021

આપત્તિનો અવસર

ઘરે શાક સુધારતી સુરતી મહિલાઓ શેરબજારમાં સક્રિય

કોરોનાની કપરી સ્થિતિમાં પતિને મદદ કરવા હવે ગૃહિણીઓએ પણ રોકાણ ક્ષેત્રે ઝંપલાવ્યું : SIP-મ્યુચ્યુઅલ ફંડ સહિતના ક્ષેત્રમાં મહિલાઓનું રોકાણ પ૦% વધ્યું

સુરત તા. ૧પ :.. કોરોનાની કપરી સ્થિતિથી ધંધા-ઉદ્યોગને મોટી અસર પડી છે, જેના કારણે ઘણા લોકોની આજીવીકાને  પણને અસર થઇ છે. આવા સંજોગોમાં શહેરમાં વિવિધ રોકાણક્ષેત્ર જેવા કે એસઆઇપી, મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેકટ ઇકિવટી જેવા સેકટરમાં મહિલા રોકાણકારોનું પ્રમાણ વધ્યું છે. નાની - મોટી બચત થકી પરિવાર અને પતિને મદદ કરનારી મહિલાઓનું પ્રમાણ છેલ્લા એક વર્ષમાં પ૦ ટકા વધ્યું છે. ૪૦૦૦ કરોડનું મહિલાઓના નામે થતાં રોકાણમાં ૪૦૦ કરોડની વૃધ્ધિ થઇ છે.

કોરોનાની કપરી સ્થિતિ અને નોકરીની તક ઘટતાં ઘણાં યુવા રોકાણકારો દ્વારા ડાયરેકટ ઇકિવટી સેકટરમાં ઝંપલાવવામાં આવ્યું છે. વેલ્થ સેકટરના તજજ્ઞો પાસેથી મળતાં આંક પ્રમાણે એક જ વર્ષમાં ડાયરેકટ ઇકિવટીમાં રોકાણ ક્ષેત્રમાં નવા ૩૦,૦૦૦ ટ્રેડર્સ ઉમેરાયા છે. ત્યારે આ રોકાણકારોમાં મહિલાઓની સંખ્યા પણ વધી છે. જયાં વર્ષ  ર૦૧૯ સુધીમાં મહિલાઓના નામે તેમના પતિ કે પરિવારજનો રોકાણ કરતાં હતાં. હવે મહિલાઓના ફકત નામની જગ્યાએ મહિલા પોતે રોકાણ કરતી થઇ છે. આ અંગે શહેરના વેલ્થ એકસપર્ટ જિજ્ઞેશ માધવાણી જણાવે છે કે, સુરતનું કુલ માર્કેટ કેપ ર૧,૦૦૦ કરોડનું છે. જેમાં મહિલાઓના નામે ૪૦૦૦ કરોડનું રોકાણ થાય છે. મહિલા રોકાણકારોની સંખ્યા વધતાં જ ૩પ૦-૪૦૦ કરોડની વર્ષે વૃધ્ધિ નોંધાય છે. ડાયરેકટ ઇકિવીટી સેકટરમાં જયાં મહિલાઓનો હિસ્સો ૩ થી પ ટકાનો હતો, તેમાં સીધી પ૦ ટકાની વૃધ્ધિ સાથે કુલ ટકાવારી ૭થી ૧૦ ટકાની નોંધાઇ છે. જેની પાછળ કોરોનાનું પરિબળ અગત્યનું છે. પોતાના પરિવારજનોને સહાય થવા માટે ઇકિવટી, એમએફ, એસઆઇપી સેકટરની પસંદગી વધી છે.

હું એ પોતે એસઆઇપી, ડાયરેકટ ઇકિવટી, સોવરીન બોન્ડસ સહિતના સેકટરમાં રોકાણ કર્યુ છે. હાલના સમયની ડિમાન્ડને જોતાં મહિલા નાણાકીય રીતે સધ્ધર થાય તે માટે અમે એક પ્રોગ્રામ બનાવ્યો છે. જે અંતર્ગત માતાઓ, બહેનો, ગૃહિણીઓ, નોકરીયાત મહિલાઓ જેવી તમામને રોકાણક્ષેત્ર વિશે સમજણ આપીને તેમને ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ.

-શુભાંગી તોસનીવાલ(સીએ)

મહિલાઓ માટે નાણાકીય આત્મનિર્ભરતા આવશ્યક છે, જેના માટે અમે પ્રથમ લોકડાઉનમાં ૧પ૦ જેટલી મહિલાઓ માટે ટ્રેનીંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જે હજુ પણ કાર્યરત છે. જેના કારણે ઘણી મહિલાઓ અમારી સાથે સંકળાયને સારા પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડ, એસઆઇપીસી સહિતના તમામ સેકટરમાં મહિલા રોકાણકારો દ્વારા રોકાણકરીને તેનો લાભ લેવાય છે.

-ભાગ્યશ્રી શાબુ (સીએફએ)

વર્ષ ર૦૦૮ ની મંદી પછી સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં મહિલા રોકાણકારો વધી અને કોરોનાની કપરી સ્થિતિ પછી ઘણી મહિલાઓ એવી પણ છે કે જેઓ પ૦૦૦-૧૦,૦૦૦ની એસઆઇપી સહિત એફડીમાં રોકાણ કરતી થઇ છે. અમારી જ એક બ્રાંચમાં હેન્ડલૂમ સાથે સંકળાયેલી મહિલા ખાતેદાર મહિને ૩૦,૦૦૦નું રોકાણ કરે છે. ફાઇનાન્સિયલ લીટરસી વધે તો મહિલા રોકાણકારોમાં હજુ વૃધ્ધિ આવશે.

-કાનજી ભાલાળા(માજી ચેરમેન, વરાછા બેંક)

(11:59 am IST)