ગુજરાત
News of Saturday, 15th May 2021

વાવાઝોડુ સોમવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના કિનારા નજીક આવશે

સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાં પરિવર્તિત પરંતુ હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત બાકી : હાલ ગોવાથી આશરે ૨૦૦ કિ.મી. અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી દક્ષિણે ૮૦૦ કિ.મી. દૂર : અશોકભાઈ પટેલ

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે વાવાઝોડુ ૧૭મીના સોમવાર સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા નજીક પહોંચશે. આ સિસ્ટમ્સ હાલ ગોવાથી આશરે ૨૦૦ કિ.મી. અને સૌરાષ્ટ્રના કિનારાથી ૮૦૦ કિ.મી. દૂર છે.

તેઓએ જણાવેલ કે સાયકલોનીક સ્ટ્રોમ 'તૌકતે' હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રને લાગુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર છે. લોકેશન ૧૩.૫ ડિગ્રી નોર્થ, ૭૨.૩ ડિગ્રી ઈસ્ટ જે ગોવાથી આશરે ૨૫૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે છે.

તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી મુખ્યત્વે ૮૦૦ કિ.મી. દક્ષિણે દૂર છે. હાલમાં પવન ૮૫ થી ૯૫ કિ.મી.ની ઝડપ ઝાટકાના પવન ૧૦૫ કિ.મી. એ સિવિયર સાયકલોનીક સ્ટ્રોમની માત્રા ગણાય. જો કે હવામાન ખાતાની પુષ્ટિ હજુ બાકી છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે તા. ૧૭ના સાંજ સુધીમાં આ સિસ્ટમ્સ ૧૯.૫ નોર્થ, ૭૦ ઈસ્ટ ઉપર પહોંચશે એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી ઘણુ નજીક પહોંચી જશે. તા. ૧૮ સુધીમાં આ સિસ્ટમ્સ વિવિધ ફોરકાસ્ટ મોડલના આધારે અંદાજ કરીએ તો અમરેલી જીલ્લાના દરિયાકિનારાથી કચ્છના દરિયાકિનારા સુધીમાં લેન્ડફોલ થાય જો કે હવામાન ખાતાના અંદાજ મુજબ ઓખા - દ્વારકા ઉપર લેન્ડફોલ કરશે.

સિસ્ટમ્સ જયાથી પસાર થશે ત્યાં ૨૦૦ મી.મી. વરસાદની શકયતા પવનનું પણ જોર રહેશે. નુકશાન થવાની  શકયતા હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

(3:04 pm IST)