ગુજરાત
News of Saturday, 15th May 2021

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના સોનવાડીના જંગલમાં યુવક-યુવતિના કંકાલ મળ્યાઃ ૨૦ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલ પ્રેમી પંખીડા હોવાનું ખુલ્યુ

બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના સોનવાડી પાસે આવેલ જંગલમાં બે કંકાલ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તે અંગેની જાણ પોલીસને કરતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેની પોલીસ દ્વારા તપાસ કરતા ઘરથી ભાગી ગયેલ બે પ્રેમીઓના આ કંકાલ હોવાનું સામે આવ્યું હતું. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના કંકાલને રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા

20 દિવસ પહેલા પ્રેમીપંખીડા ભાગી ગયા હતા

અમીરગઢ નજીક મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર આવેલો છે. ત્યારે ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલા સોનવાડી પાસેના જંગલમાં બે કંકાલ પડ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે પોલીસ પણ જંગલ વિસ્તારમાં પડેલા બે કંકાલો જોઈને ચોકી ઉઠી હતી. બંને કંકાલો એકદમ હાડપિંજર જેવા હતા પોલીસે આ દિશામાં તપાસ કરતા 20  દિવસ પહેલા બે પ્રેમી-પંખીડા ઘરેથી ભાગી ગયા હતા તેમના કંકાલ હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.

કંકાલ પાસેના પર્સમાં બંનેની તસવીરો હતી

બંને પ્રેમીપંખીડા ભાગી ગયા હોવાની જાણ તેમના પરિવારજનોએ અમીરગઢ પોલીસ મથકમાં પણ કરી હતી. આથી પોલીસને આ કંકાલ એ જ પ્રેમી-પંખીડાઓના હોવાની શંકા ગઈ હતી. તેથી પ્રેમીઓના પરિવારજનોને જાણ કરીને તેમને તાત્કાલિક બોલાવ્યા હતા. બંને કંકાલ પાસે એક પર્સ પડેલુ હતું. જેમાં બંનેની તસવીરો હતી. તેમજ કંકાલ પરના કપડાં પરથી તેઓની ઓળખાણ થતાં બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ સામે આવ્યુ છે.

પોસ્ટમોર્ટમ બાદ ખુલાસો થશે હત્યા હતી કે આત્મહત્યા

અમીરગઢ પાસેના જંગલમાં દીપડા, ઝરખ અને રીંછ જેવા જંગલી પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી બંનેને જંગલી પ્રાણીઓએ મારી નાખ્યા હોવાનું પોલીસે તેની પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવ્યું છે. છતાં પણ પોલીસ બંને કંકાલને અમીરગઢ સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાર બાદ ત્યાંથી અમદાવાદ ખાતે વધુ તપાસ માટે લઈ જવાયા હતા. અમદાવાદથી ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે પ્રેમીપંખીડાનું મોતે અકસ્માતે થયુ છે કે તે કોઈ હત્યા છે.

(5:21 pm IST)