ગુજરાત
News of Saturday, 15th May 2021

કલોલમાં કારમાંથી સાયલેન્સરની ચોરી કરનાર ગઠિયાને ઝડપવા પોલીસે દોડધામ હાથ ધરી

ગાંધીનગર : અમદાવાદ બાદ હવે કલોલમાં પણ ઘર આગળ પાર્ક થયેલી કારમાંથી સાયલેન્સર ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. કલોલ તાલુકાના કરણનગર રોડ ઉપર આવેલી ગુરૃદેવનગરમાં રહેતા વસાહતી છત્રાલ સંબંધીને ત્યાં ગયા હતા ત્યારે પાર્ક થયેલી કારમાંથી ૪૦ હજારના સાયલેન્સરની ચોરીની ઘટના બનવા પામી છે જેના પગલે કાર માલિકે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા આપી છે જેના પગલે પોલીસે ગુનો નોંધી આ ચોરી કરતી ગેંગને પકડવા દોડધામ શરૃ કરી છે. 

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી અગાઉ કારમાંથી સાયલેન્સર ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. એક પછી એક વિસ્તારમાં સોસાયટીઓમાં પાર્ક થયેલી કારના સાયલેન્સર ચોરીની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે હવે આ ગેંગ ગાંધીનગર જિલ્લામાં પણ પ્રવેશી હતી અને કલોલ તાલુકામાં આવેલા બોરીસણા ગામની શ્રી રોહાઉસમાં એક જ રાતમાં ચાર કારમાંથી સાયલેન્સર ચોરાયા હતા. હજુ આ ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી નથી ત્યારે કરણનગર રોડ ઉપર આવેલી ગુરૃદેવનગર સોસાયટીં વસાહતના મકાન નં.ર૪માં રહેતા જયમીનભાઈ જોષી કાર લઈને છત્રાલ ખાતે સંબંધીને ત્યાં ગયા હતા ત્યારે પાર્ક થયેલી કારમાંથી સાયલેન્સરની ચોરી થવા પામી છે. આ સંદર્ભે જયમીનભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત બુધવારે સવારે તેમની પાર્ક કરેલી કારને ચાલુ કરવા જતાં સાયલેન્સર ચોરાયું હોવાનું જણાયું હતું. હાલ તો આ મામલે પોલીસે ૪૦ હજારના સાયલેન્સરની ચોરીનો ગુનો નોંધી આ ગેંગને પકડવા માટે દોડધામ શરૃ કરી દીધી છે. 

(5:41 pm IST)