ગુજરાત
News of Sunday, 15th May 2022

VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો સીએમને પત્ર :માગણી સ્વીકારી લેવા રજૂઆત

સરકાર દ્વારા કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતનથી VCEને નિમણુંક આપવી જોઈએ: . હાલની VCEની નિમણૂક પ્રક્રિયામાં સમાન વેતન અને લઘુતમ વેતનધારાનો ભંગ થાયછે

અમદાવાદ : VCEની હડતાળને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. ધારાસભ્યે મુખ્યપ્રધાનને VCEની માગણી અંગે ધ્યાન દોર્યું છે. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે સરકાર દ્વારા કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતનથી VCEને નિમણુંક આપવી જોઈએ. હાલની VCEની નિમણૂક પ્રક્રિયામાં સમાન વેતન અને લઘુતમ વેતન ધારાનો ભંગ થાય છે. હડતાળ પર ગયેલા VCE કર્મચારીઓની માગણી સ્વીકારી તેઓને ન્યાય આપવા કોંગ્રેસના ધારાસભ્યે રજૂઆત કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે આ લોકોની માંગ ન સ્વીકારતા સરકારી યોજનાની કામગીરી હાલ તો અટકી પડી છે. તેમજ તેનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવો જોઇએ.

ગુજરાતના 11 હજારથી વધુ વિલેજ કમ્પ્યૂટર ઓપરેટરની આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. VCE ઓપરેટર્સની 16 વર્ષ જૂની માગણી સંતોષાતી નથી. રાજ્ય સરકાર નજીવું કમિશન ચુકવે છે. તે પણ અનિયમિત આપે છે.. આ કર્મચારીઓ નિયત પગાર ધોરણ પર લેવાની, નોકરીમાં કાયમી કરવાની અને અન્ય સરકારી લાભ આપવાની માગણી કરી રહ્યાં છે. બીજી તરફ હડતાળને પગલે ગામડામાં ખેડૂતોની વહીવટી કામગીરી ન ખોરવાય તે માટે ઈ-ગ્રામ સેન્ટરનો હવાલો હવે તલાટીઓને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા VCE કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા VCE કર્મચારીઓની માંગ સંદર્ભે હજી સુધી કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું. આ અંગે તેમના દ્વારા અનેક વાર ગાંધીનગર સહિત અનેક સ્થળોએ ધરણા પ્રદર્શન કર્યા હતા.

જેમાં મળતી માહિતી મુજબ રાજ્યની તમામ ગ્રામ પંચાયતમાં VCE કર્મચારીઓ કામ કરે છે. જેઓ રાજ્ય સરકારની તમામ યોજનાની કામગીરી કરતા હોય છે. તેમજ આ VCE કર્મચારીઓની માંગ છે કે, તેમના કામ પર તેમને કમિશન મળે સાથે જ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. કર્મચારીઓની માગ છે કે તેમને રેગ્યુલર કર્મચારીની જેમ જ પગાર આપવામાં આવે. તેમજ તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે.મહત્વપૂર્ણ છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો 2006થી પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા.જો કે આજદીન સુધી સરકારે તેમની રજૂઆતોને ધ્યાને ન લીધી હોવાના આરોપ  છે.

(10:18 pm IST)