ગુજરાત
News of Sunday, 15th May 2022

નર્મદા મુખ્ય કેનાલમાંથી દાંતીવાડા ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ: દરરોજ 50 ક્યુસેક પાણી ઠલવાશે

પાલનપુર, દાંતીવાડા, ડીસા અને દાંતીવાડાના 217 ગામોને પીવાના પાણીનો મળશે લાભ

 

બનાસકાંઠામાં 2017 બાદ ચોમાસુ નબળું રહેતા જિલ્લામાં જળાશયો ખાલીખમ પડ્યા છે. સિંચાઈના પાણીની તો વાત એક તરફ પરંતુ પીવાના પાણીના પણ મુશ્કેલી પડી રહી છે. જોકે પાલનપુર, દાંતીવાડા, ડીસા અને દાંતીવાડાના 217 ગામોને પીવાનું પાણી મળી રહેએ હેતુથી નર્મદા મુખ્ય કેનાલમાંથી દાંતીવાડા ડેમમાં પાણી ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદને કારણે જળાશયો ખાલી છે ત્યારે પાણીના તળ પણ હજાર ફૂટ ઊંડા ગયા છે .ખેડૂતોનાં બોર ફેઈલ થઈ રહ્યા છે. સિંચાઈના પાણી અને પશુપાલન માટે પણ ખેડૂતોને મુશ્કેલીઓ છે અને પીવાના પાણીની પણ પળોઝણ છે .ત્યારે સરકાર દ્વારા  દાંતીવાડા ડેમમા પીવાનું પાણી ઠાલવતા ખેડૂતો અને સ્થાનિકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી આવ્યું તેની ખુશી અપરંપાર છે. પરંતુ આ પાણી છોડવાનો સિલસિલો લાંબા સમય સુધી ચાલે તેવી અમારી માંગ છે. જેથી પાણીના તળ ઊંચા આવે અને પીવાના પાણીની સમસ્યા માથું ન ઊંચકે.

બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પણ ચોમાસું નબળું રહેતા દાંતીવાડા ડેમમાં નહિવત પાણી છે. જ્યારે સીપુ ડેમ તળિયા ઝાટક છે. જેથી સિંચાઈના પાણીની તો વાત દૂર હવે પીવાના પાણીની પણ બૂમરાણ ઊઠી છે. હજુ ચોમાસાને લઇ દોઢ મહિના જેટલો સમય બાકી છે અને પીવાના પાણીની મુશ્કેલીને જોતા સરકાર તેમજ બનાસકાંઠા પાણી પુરવઠા દ્વારા તાત્કાલિક ધોરણે ચાંગા પંપીંગ સ્ટેશનથી નર્મદાની મુખ્ય કેનાલમાથી પાઈપલાઈન દ્વારા દાંતીવાડા ડેમમાં દરરોજ 50 ક્યુસેક પાણી ઠાલવી રહ્યા છે. જોકે 30 જુન સુધી દાંતીવાડા ડેમમાં દરરોજ 50 ક્યુસેક પાણી છોડાશે. જેને પગલે 217 ગામડાઓને પીવાના પાણીનો લાભ મળશે. જેથી લોકોને પીવાના પાણીની તકલીફ નહિ પડે.તેમ જણાવવામાં આવ્યું હતું. 

(12:26 am IST)