ગુજરાત
News of Sunday, 15th May 2022

ત્રણ દિવસથી આકાશમાંથી વરસતા ગોળાઓએ રહસ્યસર્જ્યુ :પોઈચા ગામમાં ખેતરમાં અવકાશી પ્રદાર્થ પડ્યો

આકાશમાંથી ગોળા વરસતા લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ છવાયો:FSL માં ચકાસણી માટે મોકલાયા

અમદાવાદ ; ગુજરાતમાં ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ધાતુના ગોળાઓએ રહસ્ય સર્જ્યુ છે. લોકોમાં ફફડાટ વ્યાપી રહ્યો છે. લોકો પણ જાણવા ઉત્સુક છે કે, આકાશમાંથી એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્તારમાંથી કેવી રીતે પડી રહ્યા છે. બે દિવસમાં ખેડા અને આણંદમાં તો આવા ધાતુના ગોળા આકાશમાંથી પડ્યા છે. જ્યારે હવે વડોદરામાંથી પણ આકાશમાંથી ગોળા વરસતા લોકોમાં કુતુહલ સાથે ભયનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, આ ગોળા જેવી વસ્તુ અત્યાર સુધીમાં મધ્ય ગુજરાતમાં જ પડી છે.

વડોદરાના પોઈચા ગામમાં ખેતરમાં આકાશમાથી પડેલી આ વસ્તુ મળી આવી છે. ખેતરમા અવકાશી પદાર્થ પડતાં તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. ધાતુ જેવા પદાર્થથી બનેલો અવકાશી ગોળા વરસી રહ્યાં છે. સાવલી પોલીસે અવકાશી પદાર્થ એટલે ગોળા જેવી વસ્તુનો કબજો લઇને FSL અને ઊચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે. છેલ્લા ત્રણ દિવસથી અવારનવાર આ પ્રકારની ઘટના બનતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ ફેલાયો છે.

સૌથી પહેલા ખેડાના દાગજીપુરાગામની સીમમાં ગુલાબના ખેતરમાં તેમજ ખાનકુવા ગામની સીમમાં ખેતરમાં તેમજ શિલી જીતપુરામાં ખેતરમાં છતના પતરા તોડી આકાશમાંથી ગોળા વરસ્યા હતા. જેના બાદ ભૂમેલ ગામમાં પણ આવો જ ગોળો મળી આવ્યો હતો.

એફએસએલ અધિકારીઓ દ્વારા માનવામાં આવતા આ અવકાશી પદાર્થ ગોળાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે આ ગોળા સેટેલાઇટમાંથી છુટા પડેલા સ્પેસ બોલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે.

આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી.

(4:48 pm IST)