ગુજરાત
News of Sunday, 15th May 2022

બાવળા નજીક કેન્સવિલે રિસોર્ટમાં ભાજપની ચિંતન શિબિરનો પ્રારંભ: ગૃહમંત્રી અમિતભાઈ શાહ પહોંચ્યા

પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ભાઈ પટેલ ઉપરાંત ભાજપના ટોચના 40થી વધુ નેતાઓ ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આજથી બે દિવસ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક કેન્સવિલે રિસોર્ટમાં ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ભાઈ  પટેલ ઉપરાંત ભાજપના ટોચના 40થી વધુ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

   બે દિવસીય ચિંતન શિબિરમાં ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકારના 7 મહિનાના કામકાજની સમીક્ષા કરવામાં આવી. સરકારના નિર્ણયો અને પ્રજા પર તેની અસર અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત બેરોજગારી, મોંઘવારી, એન્ટી ઈન્કમબન્સી સહિતના મુદ્દાઓ વચ્ચે ભાજપ ચૂંટણી જીતવા રણનીતિ ઘડશે. બોર્ડ નિગમોમાં 98 જેટલી ખાલી પડેલા સ્થાનો માટે નિમણૂક અંગેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જે માટે ભાજપે અગાઉ બોર્ડ નિગમના 1400 બાયોડૅટા મંગાવ્યા હતા.

   આમાંથી 726 નામો પર ચિંતન શિબિરમાં અંતિમ મહોર લાગે તેવી શક્યતા છે.આ ઉપરાંત ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પ્રમુખો પાસેથી પાંચ નામ ચેરમેન અને વાઈસ ચેરમેન માટે નામ મંગાવ્યા હતા. અને 10 નામ ડિરેકટર માટે નામ મળ્યા હતા. પાર્ટીના વિવિધ મોરચા પણ ચૂંટણીલક્ષી કાર્યક્રમને લઈ પ્રેઝન્ટેશન રજૂ કરશે. રાજકીય પડકારો વચ્ચે ચૂંટણી જીતવા શું શુ કરવું, કેવા કાર્યક્રમો યોજી મતદારો વચ્ચે જવું એ મુદ્દાઓ પર ચિંતન શિબિરમાં ચર્ચા થશે.

(5:35 pm IST)