ગુજરાત
News of Sunday, 15th May 2022

આઝાદીનો અમૃત મહોત્સવ:રેશનિંગ દુકાનદારો ગરીબો અને વંચિતોના પ્રતિનિધિ: વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય

ગરીબનું અન્ન ગરીબને મળવું જોઇએ પાત્રતા ધરાવતા લાભાર્થીને શોધો:આદિજાતિ અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ: કચ્છ જિલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસીએશન દ્વારા કેબિનેટ મંત્રીનું ભુજ ખાતે ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ :આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી નરેશભાઇ પટેલનું આજરોજ ભુજ ખાતે કચ્છ જિલ્લા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રતિનિધિઓ ગરીબો અને વંચિતોના પ્રતિનિધિ છે. વૈશ્વિક મહામારી કોરોના ના કપરાકાળમાં વિનામૂલ્યે અનાજ વિતરણની કામગીરી સૌ એ સુપેરે નિભાવી છે. રેશનીંગ દુકાનદારો ઘેર ઘેર અનાજ પહોંચાડનારા સાચા કોરોના વોરિયર્સછે. લોકડાઉન અને કોરોનાનાં કપરાં કાળમાં તમે કરેલાં અનાજ વિતરણમાં આપણું પુણ્યકર્મ કરી વડાપ્રધાનના વિચારોને અમલી કર્યા છે. પ્રમાણિક સંવેદનશીલ ન્યાયશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તમારી વાતો સાંભળે છે. એના પગલે રૂ. ૧૦૮ માંથી ૧૫૦ રૂ.કમિશન કર્યુ છે. ગરીબ, વંચિતો અને જરૂરમતમંદોને મળવાપાત્ર અનાજ કઠોળ વગેરે પુરૂં પાડી તેમના આશિષ પણ મેળવશો. કચ્છના પાલક પિતા વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જયારે આપણે રેશનીંગ દુકાનદારોએ સૌને અનાજ પુરું પાડી પ્રશંસનીય કાર્ય કર્યુ છે. આ તકે આપ સૌ દ્વારા કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલનું સન્માન સરકારનું સન્માન છે.

 આ તકે તેમણે દુકાનદારોને આંગણવાડી દતક લઇને બાળકોને સુપોષિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય માટે જવાબદારી લેવા જણાવ્યું હતું. ડો.નીમાબેન આચાર્યે દુકાનદારોને પોતાના એરિયામાં પાંચ બાળકો દત્તક લઇ  કુપોષિત બાળકો ના રહે તેનું વચન માગ્યું હતું. 
આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકો બાબતોના મંત્રી નરેશભાઇ પટેલે આ તકે જણાવ્યું હતું કે, રાજયની સાડા છ કરોડ જનતામાં ૭૧ લાખ કાર્ડધારકો છે તેની આંતરડીમાં અન્ન પહોંચાડવાનું મહત્વનું કામ આપણને સોંપાયું છે. ગ્રાહકોને વ્યાજબી ભાવે, પુરતા અને યોગ્ય રીતે સામાન મળે તે માટે આપણે જવાબદારી દાખવવાની છે. કોરોના મહામારીમાં કામગીરી કરતા કેટલાકે જીવ પણ ગુમાવ્યો છે. આ સામાજિક કામગીરીને સુપેરે મહામારીમાં પુરી પાડી છે તે માટે આપ સૌને અભિનંદન. કોરોના સમયમાં નિષ્ઠાથી આપ સૌએ ફરજ નિભાવી છે.
રાજય સરકારે જે દુકાનદારો પ્રમાણિકતાથી કામ ચલાવે છે. નાની દુકાન ચલાવે છે તે સૌની પણ ચિંતા કરી મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧૦૮ થી  રૂ.૧૫૦ સુધીનું કમિશન બધા માટે જાન્યુઆરીથી અમલી કર્યુ છે. તોલામાપમાં પારદર્શિતા આવે, ગ્રાહકોને સંતોષ થાય, ગોડાઉનમાં પુરવઠાનો પુરતો જ થથો મળે. કચ્છમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કુલ ૨.૬૮ લાખ કાર્ડધારકો છે જેમાંથી ૨.૫ લાખ લોકો લાભ લે છે.
અન્ન, આવરણ અને આવાસ આ ત્રણ જરૂરિયાત માણસની પૂર્ણ થાય એ માટે દિનદયાળ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદમાં લખ્યું છે કે હું ચોકકસ સાચી આઝાદી ત્યારે સમજીશ  કે  કોઇપણની સરકાર હોય તેમાં અંત્યોદયના, છેડામાં બેઠેલાના પેટમાં ભોજન જાય.
ટોચની વ્યકિત કે અંત્યોદય વચ્ચેની ખાઇને ધ્યાને રાખી દેશનો સર્વાગી એકસરખો વિકાસ કરાય. પંડિત દિનદયાળના શબ્દો આધારિત આપ સૌને કહું છું કે, મહામારીમાં દેશવિદેશમાંથી લોકો એ આર્થિક સહાય કરી છે. દેશમાં અનાજ, શાક, દવાઓ, કઠોળ વગેરે વિવિધ કીટ દ્વારા લોકોને અનાજ પુરું પાડયું છે. દાતાઓનો સહયોગ મહત્વપૂર્ણ છે. સરકારનું  કામ લોકોને સંતોષ આપવાનો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઘરદીઠ ઓછા ભાવે તેમજ મહામારીમાં વિનામૂલ્યે અનાજ આપ્યું હતું. ૩ લાખ ૬૦ હજાર મેટ્રીક ટન અનાજ લોકોને દર માસે અપાય છે. ગરીબનું અન્ન ગરીબને મળવું જોઇએ જેના પરોક્ષ આર્શીવાદ આપ દુકાનદારોને મળશે. સસ્તા અનાજની દુકાનને કંટ્રોલ કહે છે હું માતા સાથે લાલ જુવાર માટે દુકાનમાં ઉભો હતો ત્યાંથી હવે આજે પુરવઠા મંત્રી છું.
બે વરસ સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ માટે દેશના ખેડૂતો અને વડાપ્રધાનશ્રીને અભિનંદન આપવા પડે. ૬૬૫ જેટલાં દુકાનદારો કચ્છમાં છે જેને સેવાનું આ માધ્યમ મળે છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ ઘણું બધું કરી શકે છે. ૩ કરોડ ૪૬ લાખ લોકોની જન સંખ્યા માટે સસ્તા અનાજનો જથ્થો છે તેના માટે ઘણાં પરિવારો પાત્રતા ધરાવતાં લાભાર્થીને શોધો અને વન નેશન વન રેશન કાર્ડ વડાપ્રધાનશ્રીના વિઝનને, વિચારને અમલી બનાવો. પાત્રતા ધરાવતા લાભાર્થીને શોધી મળેલા દાયિત્વને પ્રમાણિકતાથી નિભાવો.
સગર્ભા માતાઓ માટે રાજય સરકારે વિવિધ વિભાગોથી લઇ ગર્ભના બાળકને ૧ હજાર દિવસ સુધી બે કીલો ચણા, ૧ કિલો તુવેરદાળ, ૧ કિલો તેલ વિનામૂલ્યે આપી પોષણ અને સ્વાસ્થ્ય આપવા માટે આપણે પણ સહયોગ કરીએ.
જિલ્લાના ૬૬૫ વ્યાજબી ભાવના દુકાનદારો પ્રમાણિકતાથી સેવા કરીશું તો આશિષ મળશે.
કોરોનાના કપરાકાળમાં કરોડો રૂ. પણ કામ નથી આવતા ત્યારે દેશને વિનામૂલ્યે ભોજન, સ્વાસ્થ્ય પુરૂ પાડવાની ચિંતા નરેન્દ્રભાઇએ કરી છે. ભારતના વૈજ્ઞાનિકો અને તજજ્ઞોની મદદથી વડાપ્રધાને ૧૩૦ કરોડ દેશવાસીઓને વિનામુલ્યે કોરોનાની રસીઆપી તેમજ અન્ય દેશને રસી મોકલાવી આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાન એટલે ગરીબ, મધ્યમ પરિવારો માટે અન્નપૂર્ણાનું મંદિર. આપ દુકાનદારોને ઈશ્વરી તક મળી છે કે જરૂરતમંદોને સરકારશ્રીની યોજના દ્વારા તેમના હકનું આપવાની કામગીરી મળી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિનામૂલ્યે અનાજ વિતરણની કામગીરીપૂર્ણ કરી તે માટે સૌ અભિનંદનના અધિકારી છો. NFSA કાર્ડ જિલ્લામાં વધુ બને અને લોકોને તેનો વધુ લાભ મળે. આ કાર્ડ બાબતે તમારા ગ્રાહકોને યોગ્ય રીતે માર્ગદર્શન પુરું પાડી સરકારી યોજના વધુ લાભ અપાવો.
કચ્છ જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ મનુભા જાડેજાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, રાજય સરકારે સતત ફેર પ્રાઈઝ શોપના દુકાનદારોની દરેક વાતો ધ્યાને લીધી છે. રૂ.૧૫૦ સુધી કમિશનમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રીશ્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, અંતર્ગત દર માસે ૨.૫ લાખ જેટલા કાર્ડધારકો લાભાર્થીઓ વિનામૂલ્યે ઘઉં, ચોખા મેળવી રહયા છે. કોરોનામાં મૃત્યુ પામેલા દુકાનદારોને પણ આ તકે તેમણે યાદ કર્યાહતા.        કચ્છ જિલ્લા ફેર પ્રાઈઝ એસોસીએશનના ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના તેમજ ખાવડા ગામ  દુકાનદારોએ ,ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ એ પણ કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલનું તલવાર, શાલ, મોમેન્ટો, પુષ્પહાર પાઘડી પહેરાવી ભવ્ય સન્માન કર્યુ હતું.
આ તકે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીનું અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ સન્માન કર્યુ હતું.
આ પ્રસંગે સર્વ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, કેડીસીસી બેંક ભુજના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશિયા, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ગાંધીનગર અન્ન નાગરિક પુરવઠા અધિકારી ચૌધરી, અગ્રણી શીતલ શાહ, જયસુખભાઇ ઠકકર, મામલતદાર વિવેક બારહટ, નીરવ બ્રહ્મભટ્ટ, જીલ્લા પુરવઠા અધિકારી કલ્પેેશ કોરડીયા, ના.મામલતદાર સ્પંદન ઠકકર, નાયબ નિયંત્રણ પુરવઠા અધિકારી ગાંધીનગર, દવે,  જનરલ મેનેજર ચૌધરી, કચ્છ જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના  પ્રતિનિધિઓ, દુકાનદારો ,અગ અગ્રણીનાગરિકો ઉપસ્થિત રહયા હતા.

(8:49 pm IST)