ગુજરાત
News of Sunday, 15th May 2022

કાલોલના દેલોલ ગામના વેપારીની નજર ચૂકવી રૂપિયા 50 હજારની ચોરી કરનાર ગઠિયો ઝડપાયો

સીસીટીવી ફૂટેજના આધારે LCB ટીમે આરોપીને ઝડપી લેવાયો :રોકડ રકમ 50 હજાર સહિત ગુનાના કામે ઉપયોગ લેવાયેલ વાહન કબજે

પંચમહાલ  જિલ્લાના કાલોલના દેલોલ ગામના વેપારીની નજર ચૂકવી રૂપિયા 50 હજારની ચોરી કરનાર ગઠિયો ઝડપાયો છે. એજાજ ઉર્ફે અગ્ગા નામના ઈસમને LCB પોલીસે કાલોલ તાલુકાના પલાસા ગામેથી ઝડપી લીધો હતો. દેલોલ ગામે કરિયાણાની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગમાં એજાજ નામનો ગઠિયો આવ્યો હતો અને દુકાનદારની નજર ચૂકવીને રૂપિયા 50 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે LCB ટીમે આરોપીને ઝડપી તેની પાસેથી રોકડ રકમ 50 હજાર સહિત ગુનાના કામે ઉપયોગ લેવાયેલ વાહન કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે કાલોલ તાલુકાના દેલોલ ગામમાં કરિયાણાની દુકાન સાથે સરકારી દુકાન ધરાવતા કિંજલભાઇ શાહની દુકાનમાં બુધવારના રોજ બપોરના સુમારે ગઠિયો આવી સૌથી પહેલા શ્રીફળ લેવા માટે કાઉન્ટર પાસે ઊભો હતો ત્યારે અન્ય લોકો આઘા-પાછાં થતાં એકલતાનો લાભ લઈ દુકાન માલિક કિંજલભાઇ શાહને નમકીનના પડીકાં આપવાનું જણાવતા દુકાન માલિક કિંજલભાઇ શાહ પડીકાં લેવા ઉભા થતા જ તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાં પડેલા પચાસ હજાર રોકડાનું બંડલ ગઠિયો પોતાના પેન્ટના ખીસામાં સરકાવી ફરાર થઇ ગયો હતો.

દેલોલ ગામે કરીયાણાની દુકાનમાંથી દુકાનદારની નજર ચુકવી દુકાનના કાઉન્ટર માંથી રોકડા પચાસ હજારની ચોરીનો બનાવની જાણ થતાં પોલીસે બનાવના સ્થળે સી.સી.ટી.વી.ફુટેઝ તપાસી તથા ટેકનીકલ સવેલન્સનો ઉપયોગ કરી તપાસ કરતા બાતમીના આધારે ગોધરા પોલીસે કાલોલ તાલુકાના પલાસા ગામે ખાનગી વૉચ રાખી ઉપરોક્ત ચોરી કરવામાં સંડોવાયેલ એજાજ ઉર્ફે અગ્ગો ઉર્ફે બોબડો રહેમતમીયા શેખ રહે. વડોદરાને સ્કૂટર સાથે પલાસા ગામની ચોકડી પાસે ઝડપી પાડ્યો હતો અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી તથા સ્કૂટરની ડીકીમાં સંતાડી રાખેલ રોક્ડા રૂપિયા 500 ના દરની ચલણી નોટોનું એક બંડલ પચાસ હજાર મળી આવ્યું હતું. તેની પુછપરછ કરતા તેણે દેલોલ ગામે કરીયાણાની દુકાનમાં રતલામી સેવનુ પડીકુ લેવા માટે ગ્રાહક બની ગયેલ અને દુકાનદારની નજર ચુકવી દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 500 ના દરની એક બંડલ પચાસ હજારની ચોરી કરી પોતાની એક્ટીવા ઉપર બેસી નાસી ગયેલ તે ચોરીના રોક્ડા રૂપિયા હોવાની કબુલાત કરી હતી. કાલોલ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ચોરીનો ગણતરીના કલાકોમાં ગોધરા એલસીબી પોલીસે ગુનો ડીટેકટ કરી સમ્પૂર્ણ મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મેળવી હતી.

(9:58 pm IST)