ગુજરાત
News of Sunday, 15th May 2022

એકતરફી પ્રેમમાં પાગલ યુવકના કારણે યુવતીની આત્મહત્યા

યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર : ૭ દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ

 કપડવંજ, તા.૧૫ : કહેવત છે કે પેહેલો સગો પાડોશી પરંતુ ખેડાના કપડવંજમાં પાડોશી જ બન્યો ૧૭વર્ષની યુવતીના મોતનું કારણસત્તર વર્ષીય યુવતીએ ગત ૭ મેના રોજ સવારે ૧૦:૧૫ કલાકના અરસામાં તેના ઘરે પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે તે સમયે બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એ.ડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ હવે ૭ દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં દીકરીની માતાએ પડોશીઓના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે પડોશમાં રહેતા અને તેમના જ સમાજના ભરતભાઈ મકવાણા, તેમના પત્ની જયબેન, દિકરો આકાશભાઇ અને હિમાશું વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વર્ષ-૨૦૨૧ ના વર્ષમાં ભરતભાઈનો દિકરો આકાશ દિકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા અંગે હેરાન કરતો હતો. આ અંગે દિકરીએ તેની માતાને કહેતા માતા ઠપકો કરવા જતાં ઝઘડો થયો હતો. તે સમયે ભરતભાઈ અને તેમના પત્નીએ કહેલ કે તમારી દીકરીને મારા દિકરા સાથે જ પરણાવવી પડશે. ગમે ત્યા પરણાવશો તો તેને ચેનથી જીવવા નય દઈએ, આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે આ અંગે અંદરો અંદર સમાધાન થઇ ગયુ હતું. તે સમયે આકાશે કહેલ કે હવે પછી હેરાન નહી કરૂ. પરંતુ થોડા સમય બાદ ફરીથી આકાશ, અને તેના માતા-પિતા અગાઉની જેમ હેરાન કરવાનું શરૂ કર્યુ હતું.

જેથી દીકરીને ચાંદખેડા માસીને ત્યાં મોકલી આપી હતી. જે અંગે પણ ભરતભાઇ અને તેમના પત્નીએ ઝઘડો કર્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવારજનોના માનસિક ત્રાસથી દીકરી એટલી તો કંટાળી ગઈ હતી કે તેણે આખરે આ ફાની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું. અને ૭ મેના રોજ સવારે માતા તેના ભાઈની સર્ટી લેવા માટે શાળાએ ગઈ તે સમયે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે દીકરીની માતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા, ભરતભાઈ અંબાલાલ મકવાણા, જયબેન ભરતભાઈ મકવાણા અને નિલેષભાઇ ઉર્ફે પપ્પુ ઉર્ફે ડાટો પોપટભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:32 pm IST)